પહેલીવાર ગાયના ગોબરમાંથી બનેલા ગણપતિ સ્થપાશે. જાણો ખેડૂતોને થશે આ ફાયદાઓ. જાણો અહીં

Share post

અત્યારે ગુજરાત સહિત દેશમાં જન્માષ્ટમીની સાથે સાથે ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ દર વર્ષે ગણેશ સ્થાપન વખતે ઢોલ નગારા અને જે ભક્તિ સાથે બાપાનું સ્થાપન કરવામાં આવે છે તે વિસર્જન સમયે બધું પાણીઢોળ થતું હોય છે. ભક્તોની આસ્થાને ઠેંસ પહોંચે તેમ ગણપતિ કચરાના ઢગલામાં પડ્યા હોય છે. રાજકોટની મહિલા આરતી પંડિત ઇકોફ્રેન્ડલી ગણપતિ બનાવે છે અને એ પણ ગાયના ગોબરમાંથી. મૂર્તિ બનાવવા માત્ર ગોબર સિવાય બીજો કોઇ ઉપયોગ કરવામાં નથી આવતો. આરતી દિપકભાઇ પંડિતે વધુ માં જણાવ્યું હતું કે, આ મુર્તિની સ્થાપનાથી જ્યાં સ્થાપન કરો ત્યાં ઉર્જા મળે છે. નાના મોટા રોગથી દૂર રહે છે, આને વિસર્જન કરવાની પણ જરૂર નથી અને કરો તો ઘરના કુંડમાં નાખી દો એટલે ખાતર બની જાય છે.

છ મહિના પહેલા વિચાર આવ્યો, લોકો કુદરતી વસ્તુથી દૂર રહે છે.

બી.કોમ, એલ.એલ.બી સુધીનો અભ્યાસ કરેલા આરતીબેન વધુમાં કહે છે કે, મૂળ ભાણવડની વતની છું. ત્યાં મારે ભેંસનો તબેલો હતો ત્યાંથી જ ગૌમુત્ર અને ગોબરના લાભા-લાભની ખબર હતી. છ મહિના પહેલા વિચાર આવ્યો. ગોબર માટે અલગ અલગ ગૌ શાળાનો સંપર્ક કર્યો. ગોબરનો ભુ્ક્કો કરી તેને ગણપતિની મુર્તિના આકારના બીબામાં ઢાળી સુકાવીને મુર્તિ બનાવી. જેમાં સફળતા મળી અને નક્કી કર્યું કે આ લોકો સુધી પહોંચાડવું. આ વખતથી જ ગોબરની મૂર્તિ બનાવાનુ શરૂ કર્યું. લોકો કુદરતી વસ્તુથી દૂર રહે છે. પરંતુ ગાયના ગોબરમાં એટલી કુદરતી શક્તિ હોય છે કે તેમાંથી ઉર્જા મળતી રહે છે. આરતીબેન થેરાપિસ્ટ પણ છે તે કહે છે હું મારા દર્દીઓને દવાની સલાહ કરતી નથી તેને કુદરતી વસ્તુઓમાંથી જ દર્દ દૂર થાય તેવા પ્રયાસ કરૂ છું.

1 ફૂટની મુર્તિ બનાવતા 15-20 દિવસ લાગે.

આરતી બેન કહે છે કે, 1 ફૂટની મૂર્તિ ગોબરમાંથી બનાવી હોય તો 15-20 દિવસનો સમય લાગે. ગોબર લઇ તેનો ભુક્કો કરી તેને યોગ્ય બીબામાં ઢાળવામાં આવે છે. તે સુકાતા 10 દિવસથી વધુ સમય લાગે છે, ત્યારબાદ જ્યાં તિરાડ કે કોઇ નાનું મોટુ ટચિંગ જ કરવાનું હોય છે. ગણપતિની મૂર્તિ સિવાય હવે હનુમાનજીની મૂર્તિ પણ બનાવીશું.

ગણેશ ચતુર્થી સમયે 4 ઈંચની મૂર્તિ બનાવશે, એક ફુટની મૂર્તિના 2 હજાર.

હાલ તો ગોબરમાંથી એક ફુટની જ મૂર્તિ બનાવી રહ્યાં છે. આગામી સમયમાં ગણેશ ચતુર્થી સમયે 4 ઈંચની મૂર્તી પણ બનાવાશે. એક ફુટની મૂર્તિ બનાવી હાલ 2 હજારમાં વહેંચી રહ્યાં છે. જો કે આમાં ગોબર અને બીબાનો જ ખર્ચ છે. પરંતુ મહેનત અને બીબામાં ગોબર રાખતી વખતે યોગ્ય ગણપતિનો ટચ આપવાની જ એક કળા છે.

બહેનોને રોજગારી મળે તેવો ઉદેશ.

ગાયના ગોબરમાંથી માત્ર મુર્તિ જ નહીં તોરણ, અગરબતી, મચ્છર ભગાવવાની અગરબત્તી, કુંડા સહિતની વિવિધ વસ્તુ પણ બનાવે છે. જેને લઇ કોઇની હેલ્થ પર અસર આવતી નથી. ખાસ તો અશિક્ષિત બહેનો હોય અને ઘરે બેસીને કામ કરવું હોય તો તેના માટે રોજગારી પણ મળે. મારી સાથે આ કામમાં 10થી 12 બહેનો જોડાઇ છે અને રોજગારી મેળવે છે.

ગોબરમાં ઉર્જા હોય છે, હેલ્થને નુકશાન થતું નથી અને જલ્દી થી ખાતર બની જાય છે.

ગોબરમાંથી વિવિધ વસ્તુ બનાવવા પાછળ ઘણા ફાયદાઓ છે. અમે તોરણ કે મુર્તિ બનાવ્યા પછી જ્યારે એમ લાગે નવી વસ્તુ બનાવી છે તો આ વસ્તુનું રિસાઇકલ થઇ શકે. ખાસ તો હમણા ગણપતિ ઉત્સવમાં હજારો લાખો મુર્તિઓ નદી અને તળાવના કાંઠે પડી રહેશે તેના બદલે આવી મુર્તિનું ઘરમાં જ કે કુંડામાં વિસર્જન કરવાથી તેનું ખાતર બની જાય અને તમે વૃક્ષ વાવવામાં તેનો ઉપયોગ લઇ શકો. આરતીબેન પોતે અપીલ કરી રહ્યાં છે કે ઇકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરીએ તો મન માં આસ્થા પણ જળવાઇ રહે અને ઉર્જા પણ મળતી રહે.


Share post