‘વાયુ’ ના વરસાદ બાદ શું કહે છે સૌરાષ્ટ્રના ખેડૂતો? ફાયદો કે નુકસાન?

ગુજરાત પરથી વાયુનું સંકટ ટળી ગયું. વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સુરક્ષાને લઇને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જોકે વાવાઝોડું ફંટાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ધીમી ધારે પડેલો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો હતો.
આ પ્રસાદ ખેડૂત માટે વાવણીલાયક સાબિત થઈ ગયો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં 4 થી 6 ઈંચ વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. આ વરસાદ લાંબાગાળાના ખરીફપાક માટે ફાયદાકારક રહેશે.
કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જે ખેડૂતોએ આગોતરું આયોજન કરીને વાવણી કરી હશે તેવા ખેડૂતોને વાવાઝોડાનો વરસાદ ફાયદો કરાવશે. જે ખેડૂતો વાવણીના વરસાદની રાહ જોઇ રહ્યા હતા. તેવા ખેડૂતોના ખેતરો વાયુના વરસાદથી વાવણી ને અનુરૂપ બની ગયા છે. આમ, વાયુના વરસાદે ખેડૂતોના મુખ પર ખુશી લાવી દીધી. આ વરસાદ મગફળી, કપાસ અને એરંડાના પાક માટે ફાયદાકારક સાબિત થયો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
કૃષિ નિષ્ણાંતોએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, સમયસર વાવણીના કારણે આ જે પાકો છે, તેનું ઉત્પાદન ખૂબ સારું મળશે. સમયસર વાવણી, ધીમીધારની વાવણી અને સારી વાવણી સાથે બધું પાણી જમીનમાં ઉતરવાના કારણે કોઈપણ જાતનું નુકસાન થવાના બદલે ખેડૂતોને આનંદ થાય, ખેડૂતોને હર્ષ થાય તેવી સુંદર વ્યવસ્થા કુદરતે કરી આપી છે.
સમગ્ર રીતે જોતા આ ચક્રવાર્તી વરસાદ કાંટાવાળા વિસ્તારોમાં સારો સાબિત થયો છે. વાવણી લાયક વરસાદ થઇ ગયો છે. એટલે આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક છે અને ખાસ કરીને ગરીબ પાકોની વાવણી છે તે વરસાદના કારણે શક્ય બનશે.