“ખેડુનો પ્રિય મિત્ર બળદ” જો તમે આ કહાની નહિ સાંભળી હોય તો…!!

Share post

એક વ્યક્તિ લખતા કહે છે કે, આજે એક રેઢિયાળ બળદને રસ્તામાં તેનો જુનો ખેડુત માલિક મળ્યો. પોતાના માલિકને જોયા બાદ એ બળદની આંખ માંથી આંસુ સરી પડ્યા. જેમ તેમ હિંમત કરીને તે બળદ ધીરે ધીરે ડગ મગ ડગલે તેના માલિક પાસે ગયો, અને દબાતા અવાજે પુછ્યું. કેમ છે ભાઈબંધ? ઘરે બધા કેમ છે? છોકરા શું કરે છે બળદની આ વાત સાંભળીને એનો ખેડુત માલિક જરા મુંઝાણો, થોડું તોટડાયને તે બોલ્યો બધા મજામાં છે. આટલું તો એ માંડ માંડ બોલી શક્યો.

આ સાંભળી બળદ બોલ્યો કે, હે મારા પ્રિય મિત્ર, તું જરાય મુંઝાતો નહિ, બસ ચાલ્યા રાખ. જેવા મારા નસીબ. પણ એક વાત કહેવી હતી કે, જે દિવસે તું મને દોરીને આ અજાણી અને અંતરીયાળ જગ્યાએ મને મૂકીને અહીંથી હાલતો થયો હતો ને, ત્યારે જ મારે તને કહેવું હતું. પણ મને એમ થયું કે તે સાંજે મેં તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં અટકેલો હતો, અને બીજું વાત એ કે ત્યારે તું મારો માલીક હતો એટલે ત્યારે તને કાંઈ બોલ્યો નહિ. પણ આજે તું મારો માલિક નથી, આજે તું ફક્ત મારો મિત્ર જ છે, એટલે આજે મારે તારી સાથે બે વાત કરવી છે.

મારા મિત્ર, તેં દિવસે સાંજે જયારે તારે ઘેર વાત થતી હતી, કે હવે આ બળદને ક્યાંક મોકળો મૂકી આવવો છે. બસ એ વાત સાંભળીને મને આખી રાત નીંદર નહોતી આવી. મને એ જાણીને ઘણું દુઃખ થયું કે આ આંગણે મારી આ છેલ્લી રાત છે. હવે આ ઘરે મારા અન્નજળ પુરા થઈ ગયા. હું માત્ર સવાર થવાની રાહ જોતો રહ્યો, અને વહેલી સવારે જયારે તું મને દોરડે બાંધીને હાલતો થયો, ત્યારે મારા માટે એક એક ડગલું ભવના ફેરા જેવુ લાગતું હતું.

અરે, ભલા માણસ આપણો તો 15 ધર(ખેડ) નો નાતો હતો, એ વાત તું આમ અચાનક કાં ભૂલી ગયો? આ સાંભળી એ ખેડુત બોલ્યો, એવું નથી પણ દુકાળ છે અને ચારાની તંગી જેવું છે એટલે મારે આ પગલું ભરવું પડ્યું મિત્ર. તો બળદે કહ્યું કે, અરે મારા મિત્ર ચારાની તંગી છે? કે પછી હું હવે તારા કામનો નથી રહ્યો? ભલા ભેરૂડા તારે ઘરે તે જે ભગરી ભેંસો બાંધી છે, એની ઓગઠ(એંઠવાડ) ખાઈ અને પાણી પિયને હું મારા દિવસો કાઢી નાંખતે.

ચાલ એ તો ઠીક પણ તને યાદ છે કે, જયારે તારે નળીયા વાળા મકાન હતા અને તારી પરિસ્થિતિ સારી નહોતી, ત્યારે તારી હાલત જોઈને મને એમ થાતું કે ખેતીમાં વધુ મહેનત કરૂ, જેથી કરીને મારા માલીકને સારી ઉપજ અને વધુ વળતર મળે. મિત્ર તને પગભર કરવા માટે મેં ઘણી મહેનત કરી, તારા ખેતરડા ખેડયા, પૃથ્વીના પેટાળ પલટાવી નાખ્યા. તારા માટે તો મેં દિવસ રાત એક કરી દીધા હતા, પછી કાળીયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા, મોટરસાઇકલ અને કાર આવી ગઈ. અને બધું સારુ થયી ગયું. હું તારા પરિવાર અને બાળકોને સુખી જોયને બહુ હરખાતો હતો. પણ જે દિવસે તારે ઘેર મીની ટ્રેકટર આવ્યું, બસ એ જ દિવસે મને ધ્રાસકો પડ્યો કે હવે આ મારા ઉતારા ભરાવશે.

સાચું કહું તો મારા મિત્ર હું બહુ દુઃખી છું. પેટ ભરવા માટે ક્યાંક સિમ કે શેઢે મોં નાખું ત્યાં તો લોકો પરાણાં (લાકડી) લઈને દૌટ મૂકે છે, અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે. એમાં કોઈક તો વળી છુટા પાણાં ઉપાડીને પણ ફેંકે છે. આ દર દરની ઠોકરો ખાઈ ખાઈને હવે હું થાકી ગયો છું. મને આ જાતું જીવતર બહુ અઘરું લાગે છે. અરે, ભલા માણસ હું ક્યાં હવે વધારે જીવવાનો હતો, આ મારી કાયા ઘડપણે ઘેરાણી છે, અને હવે આમેય મારે ઝાઝું જીવવાના અભરખા પણ નથી.

હવે તો જેવા મારા ભાગ્ય એવું મારુ જીવન. પણ મારા મિત્ર હવે મારુ એક છેલ્લું કામ કરજે. તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલ્લો છે ને એ ખીલ્લાને તું ઉપાડી નાંખજે કારણ કે કો’ક દિવસ એ મારા વાળા ખીલ્લે તું ભેંસોને બાંધીને લીલા ચારાના અને ખોળ કપાસીયાના બત્રીસ ભાતના ભોજન જમાંડિશને તો મારા આત્માને જરા પણ શાંતિ નહિ મળે.

અને બીજી ખાસ વાત એ કે તારા છોકરાંઓને મારી સાથે મજાક મસ્તી કરવના, મને ટીંગાઈને વળગીને રમવાના હેવા (આદત) હતા. તો છોકરાંવને ખાસ કહેજે કે ભેંસ સાથે એ આવા અખતરા ન કરે કારણ કે મારી “માં અને ભેંસની માં” ના સંસ્કારોમાં બહુ જ ફેર છે. ક્યાંક એ તારા છોકરાને વગાડી જ દે એનું ધ્યાન રાખજે. અને ઘેર પોગીને બધાને મારી યાદ આપજે અને છોકરાંવ અને ઘરડા માં નું ધ્યાન રાખજે, અને કહેજે કે આપણો ઇ બળદ મળ્યો હતો, અને બહુ જ ખુશ અને ખુબ મજામાં હતો.

ભઈ મને કહેતા દુઃખ તો થાય છે કે આ “રેઢિયાળ” નું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે. ભાઈબંધ તેં ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત ને. તો મને કોઈ જાતનો અફસોસ થતે નહિ. આમ અતરિયાળનું મારૂ મરણ, મારા વ્હાલા મને વહમું બહુ લાગશે. બળદની આંખ માંથી ચોધારા આંસુડા વહેવા લાગ્યા. હવે છેલ્લુ મારુ એક કામ કરી દે, કે મારા મોઢામાં તારો પહેરાવેલો આ મોરડો (દોરડું) છે ને એ ઉતારી નાખ. મિત્ર..આ તારો પહેરાવેલો મોરડો મને મરણ ટાંણે બહુ મુંઝવશે.

હું આ ખેડુત અને બળદની વાતો સાંભળતો હતો. તો મેં બળદને કહ્યું કે અહીંથી 5 કિમી દુર મારા ગામમાં એક ગૌશાળા છે. ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ તો ત્યાં ચારા-પાણીની સગવડ મળી જશે. તો બળદે મારી સામે ત્રાંસી આંખે જોયું અને કહ્યું, ખોટી ચિંતા ના કરો. કારણ કે હવે મારો મલક ભર્યો છે, અને હું છું ને મારી જીંદગી છે. બસ આટલું કહીને બળદ તેના ખેડુત માલીક સામે છેલ્લી નજર કરી અને જીવ્યા મુવાના જાજાથી જુહાર કહીને પોતાના જુનાં સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે ડગ મગ ડગલે હાલી નીકળ્યો.

આ આર્ટીકલ લખનાર કહે છે કે, “આજે રોડ ઉપર આ બળદોને જોયા અને બસ લખવાનું મન થયું. જેનું ખેડેલું આપણે ખાધું એના ગુણને ભુલી જનારાઓના આત્માને પ્રભુ શાંતિ આપે”- ઘેલું આહીર

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post