મગફળીની જીવાતો અને તેનું સંપૂર્ણ નિયંત્રણ- જાણો વિગતવાર

Share post

મોલો :
મગફળીમાં મોલો નામની જીવાંત થાય છે. જેને દુર કરવા ખેડૂતો ઘણા નુસ્ખાઓ અજમાવતા હોય છે. પણ હવે આ સરળ રીતે મોલો નામની જીવાંત દુર થઇ શકશે. મોલો ભૂખરી, કાળી, પોચા શરીરવાળી અને લંબગોળ પ્રકારની હોય છે. પુખ્ત કીટકો પાંખ વાળા  હોય છે. તેના શરીરના પાછળના ભાગમાં બે ટ્યુબ જેવી નળીઓ રહેલી હોય છે. તેના બચ્ચા તેમજ પુખ્ત કુમળી ડૂખો, પાન અને સૂયામાંથી રસ ચૂસી નુકસાન પહોચાડે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકી જાય છે અને છોડ નબળો પડી જાય છે. તેથી ઉત્પાદન પર ઘણી જ વિપરીત અસર થાય છે. મોલોના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરતો હોવાથી ખેડૂતો આ જીવાત અને ગળો તરીકે ઓળખે છે.

મોલોનું નિયંત્રણ :
સ્ટીકી ટ્રેપ ઉપર મોલોની વસ્તીને ધોયા બાદ અને ક્ષમ્યમાત્રાની સપાટી 1.5 ઈન્ડેક્ષની સપાટીએ મોલોનો ઉપદ્રવ પહોંચે ત્યારે જ શોષક પ્રકારની કીટનાશક દવા જેવી કે ફોસ્ફામીડોન 0.03 ટકા (10 લિટર પાણીમાં 3 મિ.લિ.) અથવા ડાયમીથોએટ 0.03 ટકા (10 લિટર પાણીમાં 10 મિ.લિ.) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન 0.025ટકા (10 લીટર પાણીમાં 10 મિ.લિ.)ના પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો 10 થી 12 દિવસ બાદ બીજો છંટકાવ કરવો. ઈમીડાક્લોપ્રીડ 17.8 SL 4 મિ.લિ. અથવા થાયોમેથોકઝામ 25 WG 4 ગ્રામ અથવા એસીટામીપ્રીડ 20 SC 2 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી મોલો અને તડતડીયાનું અસરકારક રીતે નિયંત્રણ થાય છે.

લીલી ઈયળ (હેલીયોથિસ) :
લીલી ઈયળ (હેલીયોથિસ)ના પુખ્તની આગળની પાંખો પરાળ જેવી અને ભૂખરા રંગની છાંટવાળી રહેલી હોય છે અને પાછળની પાંખો પીળાશ પડતા સફેદ રંગની અને કાળી છાંટવાળી હોય છે. ઈયળ રંગે લીલી અને શરીરની બાજુમાં કાળાશ પડતી રાખોડી રંગની લીટી વાળી હોય છે. પાક પ્રમાણે ઈયળનો રંગ જુદો જુદો જોવા મળે છે.

ચોમાસુ અને ઉનાળુ મગફળીમાં લીલી ઈયળ (હેલીયોથિસ)ના ઉપદ્રવનું પ્રમાણ વધે છે. મગફળીના પાકમાં લીલી ઈયળ  કુમળા પાન અને નાની પૂંખો ખાય છે. ઉપદ્રવ વધુ હોય તો છોડના પાન ખવાઈ જવાથી છોડ ઝાંખરા થઇ જાય છે અને છોડનો વિકાસ રોકાઈ જાય છે. તેથી નવી કુંપણો આવતી નથી. ચોમાસુ મગફળીમાં લીલી ઈયળ (હેલીયોથિસ)નો ઉપદ્રવ સપ્ટેમ્બર માસમાં અને ઉનાળુ મગફળીમાં એપ્રિલ માસના અંતમાં શરૂ થાય છે અને પાકની કાપણી સુધી રહે છે.

લીલી ઈયળનું નિયંત્રણ :
લીલી ઈયળના નિયંત્રણ માટે કાર્બોરીલ 0.2 ટકા (10 લિટર પાણીમાં 40 ગ્રામ) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. પાંચ દિવસને અંતરે એન.પી.વી.ના ચાર છંટકાવ કરવાથી લીલી ઈયળ કાબુમાં રહે છે. હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમાં પકડાતા નર ફુદાનો નાશ કરવો.

પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) :
પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) પણ બહુભોજી હોઈ ઘણા યજમાન પાકોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોચાડે છે. પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) પુખ્ત આછા ભૂખરા રંગના હોય છે. ઈંડામાંથી નીકળતા શરૂઆતની ઈયળ ઝાંખા લીલાશ પડતા ભૂખરા રંગની હોય છે. જે મોટી થતાં કાળા ભૂખરા રંગની થઇ જાય છે. શરીરના ઉપરની બાજુ માથા આગળ તેમજ પાછળના ભાગમાં ત્રિકોણાકાર કાળા ટપકાંથી પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) ની ઈયળો તરત જ ઓળખી શકાય છે. પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા) ની શરૂઆતની અવસ્થાની ઈયળ પાનનો લીલો ભાગ અને કુમળા પાનને ખાય છે.

પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)નું નિયંત્રણ
પાન ખાનાર ઈયળ (પ્રોડેનીયા)ના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 25 મિ.લિ.) અથવા મિથોમાઈલ 0.05 ટકા (10 લિટર પાણીમાં 12.5 ગ્રામ) અથવા ડાયકલોરવોસ 0.05 ટકા (10 લિટર પાણીમાં 5 મિ.લિ.) પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. જરૂર જણાય તો 10 થી 12 દિવસ પછી કોઈપણ એક દવાનો બીજો છંટકાવ કરવો. એન.પી.વી.નો છંટકાવ કરવો. હેકટર દીઠ 5-6 ફેરોમોન ટ્રેપ ગોઠવી તેમા પકડાતા નર ફૂદાંનો નાશ કરવો

ઉધઈ :
ઉધઈ એ અગત્યનું બહુ ફોજી જીવાત છે. મગફળીના પાકમાં ઉધઈ છોડની ડાળી, ડોડવા કે મૂળ ખાઈને સીધું નુકસાન કરે છે. ઉધઈ ખાસ કરીને રેતાળ, ગોરાડુ કે હલકા પ્રકારની જમીનમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

ઉધઈનું નિયંત્રણ :
ઉધઈના નિયંત્રણ માટે પાકની કાપણી બાદ પાકના જડીયા વીણી સમયસર તેનો નિકાલ કરવો. દિવેલા, લીંબોળી અને કરંજ ખોળ જમીનમાં નાખવાથી ઉપદ્રવ ઘટાડી શકાય છે. જમીન પરના રાફડા ખોદી તેમાંથી માદા (રાણી) શોધી તેનો નાશ કરવો. રાણી ન મળે તો રાફડામાં કાણાં પાડી કાર્બન ડાઈ સલ્ફાઇડ અથવા મિથાઈલ બ્રોમાઈડ જેવા વાયુરૂપી ઝેર દાખલ કરી કાણા બંધ કરી દેવા જોઈએ. જેથી વાયુ રૂપી ઝેર અસરથી રાણીનો નાશ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post