પશુઓની પસંદગી, ખોરાક-પાણી અને દોહનની યોગ્ય રીત -દરેક પશુપાલકોને જાણવા જેવી સંપૂર્ણ માહિતી

Share post

ડેરી અને પશુપાલનનો વ્યવસાય હવે એક ઉધોગના રૂપમાં વિકસી રહ્યો છે. પશુપાલનનો વ્યવસાય નાના તથા સીમાંત ખેડુતો તથા જમીન વિહોણા ખેત મજુરો માટે જીવન નિર્વાહનું અગત્યનું સાધન છે. આ વ્યવસાય થકી ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનું સર્જન થાય છે તથા સ્ત્રી સશકિતરણ થાય છે. આ સંજોગામાં પશુપાલકોમાં વૈજ્ઞાનિક પશુપાલન માટે વધુ જાગૃતતા આવે અને દૂધ ઉત્પાદકનો વ્યવસાય વધુ ને વધુ નફાકારક બને તથા પશુપાલકની આર્થિક પરિસ્થિતિમાં ચોક્કસ સુધારો આવે તે અંગેની જરૂરી કેટલીક વિગતો પ્રસ્તુત છે.

પશુઓની પસંદગી
સામાન્ય રીતે સારી તંદુરસ્તી ધરાવતી, ચપળતા દર્શાવતી, શાંત સ્વભાવની ગાયો-ભેંસોને પ્રથમ પસંદગી આપવી.ગાય/ભેંસ બીજા વેતરની તાજી વિયાયેલ હોય તથા જેનું દૈનિક દૂધ ઉત્પાદન ૧૦ – ૧૨ લીટર જેટલુ હોય અને આપણી હાજરીમાં જ બે થી ત્રણ ટંકનું દૂધ ઉત્પાદન નોંધી પસંદ કરવી.દેશી ગાય કે ભેંસ ખરીદતી વેળા જે તે ઓલાદ તમામ શારીરક લક્ષણો ધરાવતી હોવી જરૂરી છે. સારી દૂધાળ ગાય કે ભેંસનું શરીર ફાચર આકારનું હોવું જોઇએ.શરીરની ચામડી તથા વાળ લીસ્સા, સુંવાળા, ચમકદાર હોવા જોઇએ. ચામડી નીચે ચરબીનો ભરાવો હોવો તે ઓછા દૂધ ઉત્પાદનની નિશાની છે.આઉ સુવિકસિત, કપ આકારનું અને પોચું હોવુ જોઇએ. ચારેય આંચળ એક સમાન કદના, મધ્યમ લંબાઇના તથા સરખા અંતરે આવેલ હોવા જોઇએ. બાવલામાં નિકળતી દૂધ શિરાઓ ઉપસેલી તથા વળાંકવાળી હોવી જોઇએ.પીઠ સપાટ તથા થાપા સમતલ હોવા જોઇએ. પાછલા બે પગ (સાથળ) પહોળા હોવા જોઇએ. છાતીનો તથા પેટનો ધેરાવો મોટો હોય તેમ વધુ સારૂ ગણાય.

ખોરાક પાણીની વ્યવસ્થા
દૂધ ઉત્પાદન વ્યવસાયમાં વધુમાં વધુ ખર્ચ ખોરાકનું આવતુ હોય છે. સારા ખોરાક, પાણી વિના પશુ પોતાની ક્ષમતા મુજબનું દૂધ ઉત્પાદન આપે નહિ. આમ “સફળ પશુપાલન” માં આહારનું અંત્યત મહત્વ છે. દેશી ગાયો, સંકર ગાયો તથા ભેંસોને અનુક્રમે 10 કિ.ગ્રા., 12 થી 14 કિ.ગ્રા. તથા 12 કિ.ગ્રા. સુકો ચારો જોઇએ. દૈનિક 30 થી 40 કિલો લીલો ચારો આપવો જોઇએ. લીલો ઘાસચારો દૂધ ઉત્પાદનની પડતર કિંમતમાં ઘટાડો કરે છે. લીલો તથા સૂકા ચારાનું મિશ્રણ કરી ચાફકટરથી ઝીણા ટુકડા કરી ખવડાવવાથી ૧૫ થી ૨૦ ટકા જેટલો ઘાસચારાનો બગાડ થતો અટકાવી શકાય છે.સૂકો ઘાસચારો પશુઓની ભુખ સંતોષવા માટે જરૂરે છે. સૂકા ઘાસચારામાં રેષાવાળો ભાગ તથા સીલીક વધુ હોવાથી તેની પાચકતા ઓછી હોય છે. સૂકાચારાથી જાનવરના દૂધમાં ફેટનું પ્રમાણ વધે છે. નબળાં પ્રકારનાં સૂકા ઘાસ જેવાં કે ડાંગરના પૂળા તથા ઘઉંનુ પરાળ વગેરેને ચાર ટકા યુરીયાની સારવાર આપીને તેની ગુણવતા સુધારી શકાય.પશુને શારીરક વજન પ્રમાણે ૧ થી ૨ કીલો સમતોલ દાણ શરીરના નિભાવ માટે તથા ફેટની ટકાવારી મુજબ દૂધ ઉત્પાદનના ૪૦ થી ૫૦ ટકા દાણ આપવું જોઇએ.

સંવર્ધન
પશુપાલન વ્યવસાયની સફળતામાં યોગ્ય પશુ સંવર્ધન ખૂબ જ અગત્યનું છે કારણ કે પશુની દૂધ ઉત્પાદન ક્ષમતાનો આધાર તેના આનુવંશિક ગુણો ઉપર નિર્ભર છે. આપણે જાણીએ છીએ કે ડેરી ફાર્મના બધા પશુઓને સરખો ખોરાક અને સરખી માવજત મળતાં હોવા છતાં બધા પશુઓનું દૂધ ઉત્પાદનમાં ઉદભવતા તફાવતનું કારણ બધાં પશુઓને દૂધ ઉત્પાદન આપવાનો વારસો એક સરખો મળ્યો નથી તે છે. વધારે અને ઉંચી ગુણવત્તા વાળું દૂધ મેળવવા પશુઓને યોગ્ય સંવર્ધન થકી ઉત્તમ આનુવંશિક ગુણો મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ.સામાન્ય રીતે પશુપાલકોએ પાડીઓ, વાછરડીઓનો ઉછેર માટે એવી કાર્ય પધ્ધતિ અપનાવી જોઇએ કે જેથી બાળપણનો વિકાસ ઝડપથી થતાં પુખ્તઅવસ્થામાં જાનવર પ્રવેશે ત્યારે તેની ઉંમર ૧૮ થી ૨૪ માસ હોય અને શરીરનું વજન ૨૫૦ થી ૩00 કિલો ઓછામાં ઓછું હોય.

દોહન
પશુપાલન વ્યવસાયમાં આવકનું મુખ્ય સાધન દૂધ ઉત્પાદન હોઇ સ્વચ્છ અને સંપૂર્ણ દોહન ધ્વારા ટીપે ટીપું દૂધ મેળવી લેવું જરૂરી છે.દોહન નિયમિત ૧૨ – ૧૩ કલાકના અંતરે થવું જોઇએ.દોહન વેળા ઘોંઘાટ, કુતરાનું ભસવું કે મુલાકાતીઓની હાજરી પશુને તણાવ ઊભો કરે છે તથા પારસો મૂકવાની ક્રિયામાં અવરોધ ઊભો થતા દોહન કરવું કઠીન બની જાય છે. આથી દોહન સમયે વાતાવરણ શાંત રાખી ૭ થી ૮ મિનિટમાં દોહન પુરૂ કરવું.વધુ દૂધ ઉત્પાદન વાળી ગાય અને ભેંસો (૧૫ થી ૨0 લીટર દૈનિક) ને માટે દૂધ દોહન મશીનનો ઉપયોગ કરી શકાય અથવા બે દોહનાર બંન્ને બાજુથી એક સાથે દોહન કરે તેવું ગોઠવવું.દોહન પછી દૂધને ઠંડી જગ્યાએ રાખવું તથા સમય બગાડ્યા વિના દૂધ મંડળીમાં પહોંચતું કરવું જોઇએ. વિયાણ પછી સરેરાશ ૧૦ – ૧૧ મહીના દૂધ દોહન કરી પશુને યોગ્ય પધ્ધતિથી વસુકાવવું. આ દરમ્યાન પશુ ૬-૭ માસનું ગાભણ થયેલું હોય તેવી રીતે સંવર્ધન કરવું.

નબળા ઢોરોનો નિકાલ
ઓછુ દૂધ ઉત્પાદન આપતી નબળી ગાય કે ભેંસ આપણો નફો ખાઇ જાય છે. ઉલ્ટાના તેઓ સારી ગાય – ભેંસ જેટલો જ આહાર લઇ ખર્ચો વધારે છે.ઓછું દૂધ ઉત્પાદન, આંચળ ખામી, કુટેવો તથા ચેપી રોગોથી પીડાતી ગાય – ભેંસનો સત્વરે ધણમાંથી નિકાલ કરવો.વેતરમાં ન આવતા કે અનિયમિત વેતરવાળા પશુઓ તથા વારંવાર ફેળવવા છતાં ગાભણ ન થતા (ઉથલા મારતા), માટી ખસી જતા પશુઓને સમય બગાડયા સિવાય વિના વિલંબે ધણમાંથી નિકાલ કરવો.

નોંધપોથીનો નિભાવ
સમજદાર પશુપાલક પોતાની ગૌશાળામાં નિયમિત રીતે નોંધપોથી રાખતો હોય છે.પશુઓના દૈનિક  માસિક કે વેતર વર્ષનું દૂધ ઉત્પાદન, ગરમીમાં આવ્યાની તથા ફેળવવાની તારીખ, બે વિયાણ વચ્ચેનો ગાળો, વિયાણ પછી ફરી ગાભણ થવા માટે લાગેલો સમયગાળો જેવી નોંધ અંત્યંત ઉપયોગી હોય છે.નોંધપોથીના અભ્યાસ પરથી સારા ખરાબ પશુઓને તારવવા સહેલા થઇ પડે છે તથા નબળા ઢોર ઓળખી તેનો નિકાલ કરવો સરળ રહે છે.દૂધ ઉત્પાદનમાં કોઇ આકસ્મિક ધટ જોવા મળે તો સમસ્યા સમજી સમયસરના પગલાં લઇ શકાય છે. આપણી ગૌશાળા નફો કે ખોટ ભણી જઇ રહી છે તેની આગોતરી જાણ થઇ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post