fbpx
Thu. Aug 22nd, 2019

ખેડૂતો સાવધાન : ચોમાસુ મોડું શરુ થતા આગોતરું વાવેતર નિષ્ફળ જવાની શક્યતા

આ વર્ષે ખરીફ સીઝનમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસુ સમય કરતા મોડું થવાની આગાહી થઇ રહી છે. તેથી ખેડૂતોને  ખરીફ પાકની વાવણી 10 થી 15 દિવસ બાદ શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે જેથી નુકસાનથી બચી શકાય. ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઉત્તર કર્ણાટક તેમજ મધ્ય ભારતના રાજ્યોમાં ચોમાસાના આગમનમાં વિલંબ થશે. ખેડૂતો વરસાદ પહેલા ઓરવણું કરીને મગફળી કે કપાસની વાવણી કરશે તો તેમને વધું ખર્ચનો સામનો કરવો પડશે.

સૌરાષ્ટ્રમાં જે ખેડૂતો પાસે કુવા કે બોર દ્વારા સિંચાઈની સુવિધા છે તેઓ 1 જૂન થી 10 જૂન સુધી ઓરવણું એટલે કે આગોતરું વાવેતર કરી લે છે. તેથી 15 જૂને પ્રથમ વરસાદ પડે ત્યારે તેનો પાક બધાથી આગળ રહે અને સારા વરસાદથી સારો પાક ઉતરે. ઓરવણું કરવામાં મગફળીનો પાક મુખ્ય હોય છે. કપાસને વરસાદ થાય તે પહેલા બિયાં જમીનમાં રોપી દેવામાં આવે છે. તેથી આ વખતે ખેડૂતોનું જોખમ વધી શકે છે.

7 જૂને ચોમાસુ શરૂ થવાની આગાહી , ગુજરાતમાં 25થી 30 જૂન આસપાસ મેઘ વરસશે :-

હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસાની ધીમી ગતિને કારણે કેરળમાં વરસાદના આગમનમાં વિલંબ થશે. આ અગાઉ હવામાન ખાતાએ 4 જૂનના રોજ કેરળમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી, પરંતુ તાજેતરના અંદાજમાં એવું માનવામાં આવે છે કે, ચોમાસાનું આગમન 7 જૂનની આસપાસ થશે, જેમાં 2 દિવસ આગળ-પાછળ થઈ શકે છે. જો કે, ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ(આઇએમડી)ના અનુસાર, કેરળમાં 6 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે, જેમાં 4 દિવસનો તફાવત હોઈ શકે છે. ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું બેસે છે પણ આ વખતે 25થી 30 જૂન સુધી પ્રથમ વરસાદ વ્યાપર રીતે લંબાઈ શકે છે.