ઘરઆંગણે જ કરો શાકભાજીનું વાવેતર, સ્વાસ્થ્યને પણ થશે અઢળક ફાયદાઓ – જાણો સંપૂર્ણ માહિતી…

Share post

માનવીનાં જીવનમાં તંદુરસ્તી, વૃદ્ધિ તથા વિકાસ માટે શાકભાજી એક મહત્વનું અનિવાર્ય અંગ છે. એમાંથી અગત્યના પોષક તત્ત્વોની ઉપરાંત વિપુલ માત્રામાં ક્ષાર તથા પ્રજીવકો મળી રહે છે. આયુર્વેદની દૃષ્ટિએ પણ આહારમાં શાકભાજીનો ઉપયોગ કરવો સ્વીકાર્ય બનેલ છે. તંદુરસ્તીની સાથે જ રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. આપણા દેશમાં વસ્તીનાં પ્રમાણમાં શાકભાજીનાં પાકોનું ઉત્પાદન ઓછું થતું હોવાંને કારણે હાલમાં આપણને વ્યક્તિ દીઠ માત્ર 170 ગ્રામ શાકભાજી ઉપલબ્ધ થાય છે.

આમ, ઊંચા ભાવ ચૂકવતાં હોવાં છતાં તાજાં તથા સારી ગુણવત્તા ધરાવતાં શાકભાજી મળી શકતાં નથી તથા જંતુનાશક ઝેરી દવાઓના વધારે પડતા અવશેષવાળા અથવા તો ગટરના પાણીના ઝેરી ક્ષારો હોવાની સંભાવના રહેલી છે. આવા સંજોગોમાં આપણે ઘરઆંગણે અથવા તો કિચન ગાર્ડનમાં ઉગાડવાનો શોખ કેળવવો પડશે. કિચન ગાર્ડન એટલે કે ઘર અથવા તો મકાનની આસપાસની ખુલ્લી, ફાજલ પડેલ જમીન, અગાસી, છત અથવા તો બાલ્કનીમાં ફળ, ફૂલ તેમજ શાકભાજી વાવવામાં આવે એને કિચન ગાર્ડન કહેવામાં આવે છે. હાલમાં કુદરતી (ઓર્ગેનિક) શાકભાજી ઊંચા ભાવે બજારમાં ઉપલબ્ધ બનેલી છે.

ઘર આંગણનાં શાકભાજીનાં ફાયદા :
તાજાં તથા તંદુરસ્ત શાકભાજી ઇચ્છાનુસાર મેળવી શકાય છે.પોતાને મનપસંદ એવી શાકભાજી ઘરઆંગણે ઉછેરીને જરૂરિયાત મુજબ નિયમિત ઉપયોગ કરીને ઘરખર્ચમાં બચત કરી શકાય છે. ઘરઆંગણે તૈયાર થયેલ શાકભાજી જંતુનાશક દવાઓના અવશેષ વગર તથા કુદરતી સેન્દ્રિય ખાતરો દ્વારા તૈયાર થયેલ હોવાંથી વધારે સુરક્ષિત છે. ઘરઆંગણની આસપાસનું હવામાન શુદ્ધ તથા ચોખ્ખું રાખી શકાય છે.

આપણા ફાજલ પડેલ સમયમાં બગીચામાં કાર્યરત બનીને શારીરિક વ્યાયામ મેળવી સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકાય છે. ઘરઆંગણનાં બગીચામાં અનેક પ્રકારના શાકભાજી પાકોની વાવણી કરીને ઘરની શોભામાં વધારો કરી શકાય છે. ઘરઆંગણે બાળકોને અનેક ફૂલ, છોડ, પાકની ઓળખ, ખેતી પદ્ધતિ તેમજ એની ઉપયોગિતા અંગેની જાણકારી પ્રત્યક્ષ મળી રહે છે. ઘરના નકામા વહેતા પાણીનો બગીચામાં સદુપયોગ થતાં પ્રદૂષણના પ્રશ્નો નિવારી તંદુરસ્તી કેળવી શકાય છે.

ઘર આંગણમાં શાકભાજી ઉગાડવા માટેનાં અગત્યનાં મુદ્દાઓ :
હવામાન, ઋતુ તથા વિસ્તાર મુજબનાં શાકભાજીના પાકની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. ઘરઆંગણની જગ્યાએ દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ હોવો ખુબ જરૂરી રહેલો છે. ઘરઆંગણની જગ્યા પ્રમાણે ખરીફ, રવી તથા ઉનાળુ શાકભાજીના પાકની પસંદગી કરવી હિતાવહ રહેલી છે. રીંગણી, મરચી, ટામેટી, કોબીજ, ફૂલાવર, ડુંગળી જેવા પાકનો ધરુ ઉછેર કરીને ક્યારામાં વાવવા જોઈએ. ટીંડોળા, પરવળ જેવા પાક માટે આંગણાના ખૂણામાં મંડપ બનાવીને એકાદ-બે થાણામાં રોપણી કરીને ઉછેર કરવો જોઈએ. વેલાવાળા શાકભાજીના પાકોને ઝાડ, અગાસી અથવા તો ફેન્સિંગની ધારે જરૂર પ્રમાણે રોપણી કરી વેલા ચડાવવા જોઈએ.

છાંયાયુક્ત જગ્યામાં અળવી, ધાણા, મેથી, પાલખ, આદું જેવા પાક લેવા જોઈએ. કયારાનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે, જેથી ખરીફ ઋતુના પાક પૂર્ણ થયા પછી રવી ઋતુના પાકની વાવણી કરી શકાય. ઘરઆંગણાના ભાગમાં ખૂણામાં નાનો કમ્પોસ્ટ પીટ રાખવો, જેને લીધે બાગનો કચરો, ઘાસ તથા પાંદડાં નાખી શકાય તેમજ કમ્પોસ્ટ તરીકે ઉપયોગ કરી શકાય. આની ઉપરાંત વધારે જગ્યા હોય તો ગાર્ડનમાં પપૈયા, મીઠી લીમડી, સરગવો, લીંબુ, કેળ જેવા પાકના એકાદ છોડનું પણ આયોજન થઈ શકે. જરૂર પ્રમાણે ખેડ, ખાતર, પાણી તથા પાક સંરક્ષણના પગલાં લેવા ખુબ જરૂરી છે. બગીચામાં ખેતી કાર્ય માટે ઉપયોગી નાના સાધનો જેવા કે, કોદાળી, દાતરડી, ખૂરપી, પંજેઠી, દવા છાંટવાનો પંપ રાખવા ખુબ જરૂરી છે.

ઘર આંગણનાં શાકભાજીનાં પાકો માટેનું કેલેન્ડર :

ચોમાસું શાકભાજી પાક :
ગુવાર, દૂધી, ભીંડા, કારેલા, કાકડી, તુરિયા, ગલકાં, રીંગણ, ટામેટાં તેમજ મરચીનો સમાવેશ થાય છે.

શિયાળુ પાક :
ડુંગળી, લસણ, મેથી, પાલખ, તાંદળજો, મૂળા, મોગરી, કોબીજ, ફલાવર, બટાટા તથા તુવેરનો સમાવેશ થાય છે.

ઉનાળુ પાક :
દૂધી, કારેલા, કાકડી, ગુવાર, ભીંડા તથા ચોળીનો સમાવેશ થાય છે.

બહુવર્ષાયુ પાક :
પરવળ, ટીંડોળા, મીઠો લીમડો તેમજ સરગવોનો સમાવેશ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post