ડ્રેગન ફ્રૂટ : 3 વીઘામાં 8 લાખનું રોકાણ ને 25 વર્ષ સુધી 8 લાખની કમાણી…

Share post

દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સમય પારખીને ખેતીમાં અવનવા પ્રયોગો કરી આર્થિક સમૃદ્ધિ તરફ પગલા  ભર્યા છે.સુરત જિલ્લામાં પણ આધુનિક ખેતી કરતાં ખેડૂતોના ખેતરમાં હવે ડ્રેગન ફ્રુટ આવી ગયા  છે.ડ્રેગન ફ્રુટની ખેતી કરતાં સુરતના કામરેજ તાલુકાના વાવ ગામના ૩૦ વર્ષીય પ્રગતિશીલ યુવા ખેડૂત જિગરભાઈ દેસાઈ એવા ગણ્યાં ગાંઠ્યા ખેડૂતોમાંના એક છે,જેણે ત્રણ વિઘા જમીનમાં ડ્રેગન ફ્રુટની ખેતી દ્વારા લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોને વિચારતાં કરી દીધા છે.

ખેતીમાં પીઢ અને અનુભવી પિતા ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ ડ્રેગન ફ્રુટની ખેતીમાં સફળતા મેળવનાર જિગરભાઈ દેસાઈએ કહ્યું કે, ડિસેમ્બર ૨૦૧૫માં ત્રણ વીઘા જમીનમાં ૩૦૦૦ છોડ વાવીને નવીનતમ ખેતીની શરૂઆત કરી હતી.એ સમયે ગામના ઘણાં લોકો ડ્રેગન ફ્રુટથી અજાણ હોવાથી મારા પર હસતાં હતા.‘વિદેશી ફળો વિદેશમાં જ પાકે,અહીનું વાતાવરણ અને જમીન માફક ન આવે,નાહકની મહેનત માથે પડશે’,એવી વાતો કરવા છતાં પણ મેં મક્કમપણે નિર્ણય કર્યો કે ભલે નુકસાન જાય,પણ ડ્રેગન ફ્રુટની ખેતી પર હાથ અજમાવવો જ છે.

એક મહિનાની મહેનતના અંતે ત્રણ વિઘામાં સિમેન્ટના કુલ ૭૫૧ થાંભલા ઊભા કર્યા.એક સિમેન્ટના પોલમાં ચાર ડ્રેગનના ટીસ્યુ લેખે ત્રણ હજાર છોડની રોપણી કરી.પ્રત્યેક પોલ પર છોડ વિકાસ પામે તે માટે પોલ ઉપર ક્રોસ આકારની લોખંડની એંગલો ફીટ કરીને તેના પર ટાયરો મૂકવામાં આવ્યા છે.સામાન્ય રીતે રોપણી પછી ૨૦ મહિના બાદ ડ્રેગન ફ્રુટ પાકે છે.

પરંતુ પિતા પુત્રની યોગ્ય અને પદ્ધતિસરની ખેતી અને જીવની જેમ સાચવણીના કારણે રોપણી કર્યાના માત્ર નવ મહિનામાં ફળોનું ઉત્પાદન શરૂ થયું. ઉત્પાદન વહેલું મળવાનું કારણ પૂછતા જિગરભાઈએ જણાવ્યું કે, ઓર્ગેનિક ફાર્મિંગને અનુસરી અમે આજ સુધી રાસાયણિક દવા કે ખાતરનો બિલકુલ ઉપયોગ કર્યો નથી.અમારા ખેતરમાં જ છાણીયા ખાતરને એકઠું કરી ડ્રેગન ફ્રુટની રોપણી કરતાં પહેલાં જમીનમાં ટ્રેક્ટરની ૩૦ લારી છાણીયું ખાતર નાંખ્યું હતું. માત્ર ૯ મહિનામાં અમને ઉત્પાદન મળવાનું શરૂ થઈ ગયું. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પહેલા વર્ષે રૂા.પાંચ લાખ, બીજા વર્ષે રૂા. ૭ લાખ થયું હતું. જયારે વર્તમાન ૨૦૧૯ના વર્ષમાં રૂા.આઠ લાખનું ઉત્પાદન થવાનો અંદાજ છે.જે લોકો મારા પર હસતાં હતાં એ જ આજે ડ્રેગન ફ્રુટનો મબલખ ફાલ જોઈ મારી પ્રશંસા કરી રહ્યા છે.

ડ્રેગન ફ્રુટની ખેતી વિષે પ્રાથમિક જાણકારી આપતા તેમણે કહ્યું કે,આ ફ્રુટનું ઉત્પાદન ચોમાસાના સમયમાં થાય છે.એક વાર વાવ્યા પછી ૨૫ વર્ષ સુધી ઉત્પાદન મળી રહે છે.ચોમાસાના ચાર મહિનામાં દર ૪૦ દિવસના અંતરે પાકતા આ ફળોના ત્રણ ફાલ આવે છે.એક ફાલમાં દોઢ ટન જેટલા ડ્રેગન ફ્રુટ ઉતરે છે. એક પોલના ચાર છોડ ઉપર ૨૫ થી ૩૦ ફળ પાકે છે. ફળનો રંગ બદલાઈને લાલ થાય એટલે ફળને કાપી લેવાના હોય છે.એક ડ્રેગન ફ્રૂટનું વજન ૮૦ ગ્રામથી ૨૫૦ ગ્રામ સુધીનું હોય છે.કિલોદીઠ રૂા.૨૦૦ થી ૩૦૦ સુધીનો ભાવ મળી રહે છે. જશરૂઆતના વર્ષે અમોએ ૩૦૦૦ ટીસ્યુ છોડ,તેની રોપણી,મજૂરી,લોખંડની એંગલો સાથેના ૭૫૧ આર.સી.સી.પોલ,ડ્રીપ ઈરિગેશન,છાણીયું ખાતર વગેરે મળી કુલ રૂ. ૮ લાખનું રોકાણ કર્યું હતું,એક વાર આટલું રોકાણ કરીએ એટલે સળંગ ૨૫ વર્ષ સુધી અનેકગણું ઉત્પાદન મળતું થયું છે.

 બજારમાં જવું પડતું નથી

ફળોને વેચવા સુરત માર્કેટ સુધી જવાની જરૂર પડી નથી, જેવો પાક ઉતરે એવો તરત જ  સ્થાનિક ગ્રાહકો દ્વારા ખરીદી લેવાય છે. ટ્રાન્સપોર્ટ અને મજૂરોનો ખર્ચ બચતો હોવાનું જણાવતાં જિગરભાઈ ઉમેરે છે કે, સુરત તથા કામરેજના લોકો અમારે ત્યાંથી ઉઘડતી સિઝને ડ્રેગન ફ્રુટ ખરીદી કરીને લઈ જાય છે.3 વર્ષથી આ ખેતી કરતાં હોવાથી માઉથ પબ્લિસિટીના કારણે પાક ઉતરે એટલે તરત જ વેચાઈ જાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો.


Share post