fbpx
Thu. Sep 19th, 2019

ખેડૂત પોતાનો પાક ઓનલાઈન પણ વેચી શકે છે! જાણો કઈ રીતે?

આજના ડીઝીટલ યુગમાં સુપર સોનિક જેટની ઝડપે ગતિ કરતા વિશ્વ સાથે તાલ મિલાવવા માટે આજે ભારત પણ ડીઝીટલ ઇન્ડિયાના માધ્યમથી આ દિશામાં હરણફાળ પ્રગતિ કરી રહયું છે. સાંપ્રત સમયમાં દરેક ક્ષેત્રમાં ડીઝીટલાઈઝેશનની થોડે-ઘણે અંશે અસર જોવા મળે છે.પરંપરા ગત કૃષિ ક્ષેત્ર પણ આ અસરથી અલિપ્ત રહી શકે એમ નથી.

સામાન્ય રીતે આપણા કાન ઈ-ગવર્નન્સ ,ઈ-મેઈલ,ઈ-ટીકીટ જેવા શબ્દો શબ્દો સાંભળવાથી ટેવાયેલ છે. પણ વર્ષ ૨૦૧૬માં ભારત સરકારના પ્રયત્નોથી આ શ્રુંખલામાં એક નવો શબ્દ ઉમેરાયો…..ઈ-નામ (ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજાર)

જે ખરેખર આજના સ્પર્ધાત્મક યુગમાં સરકાર દ્વારા ખેડૂતો માટે ઈ-નામ સમાન ગણાવવામાં આવે છે. ખેતી માત્ર એક એવો વ્યવસાય છે. જેમાં ખેડૂતોની ખેત પેદાશોના ભાવ બીજા નક્કી કરે અને તેના વેચાણ માટે નજીકના માર્કેટ યાડ તેમજ વેપારીઓ પર આધાર રાખવો પડે અને પરિણામે ખેડૂતોની ગરજનો લાભ લઈને ભાવો નક્કી કરતા હોય છે અને ખેડૂતોને ઘણી આર્થિક નુકશાનીનો સામનો કરવો પડતો હોય છે.

આ તમામ મુશ્કેલીઓ માંથી ખેડૂતને બહાર લાવવા અને ખેડૂતને પોતાની કૃષિ પેદાશનું યોગ્ય વળતર મળી રહે અને સરળતાથી વેચાણ કરી શકે તે માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા ૧૪ એપ્રિલ,૨૦૧૬ના રોજ શરૂ કરવામાં આવેલ ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ છે જેમા ઈન્ટરનેટના માધ્યમથી ૧૪ રાજ્યોની ૫૮૫ એ.પી.એમ.સી માર્કેટને (૩૧ માર્ચ,૨૦૧૮ની સ્થિતિએ) કૃષિ પેદાશોના ઓનલાઈન ખરીદી અને વેચાણ માટે એકીકૃત કરી એક રાષ્ટ્રીય કૃષિ બજારના રૂપમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે. તેમજ ૧.૧૧ કરોડ જેટલા ખેડૂતો હાલ ઈ-નામ પર નોંધાયેલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અહેવાલ મુજબ ૨૦૨૦ સુધીમાં ૪૦૦ જેટલી એ.પી.એમ.સી માર્કેટને ઈ-નામ સાથે જોડવામાં આવશે આમ કુલ ૧૦૦૦ જેટલી એ.પી.એમ.સી માર્કેટને ઈ-નામ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

હાલની માર્કેટ સ્થિતિ મુજબ એક જ રાજયની સરહદમા એક બજાર વિસ્તાર માંથી બીજા બજાર વિસ્તારમાં વ્યાપાર કરવા માટેના કાયદા કાનુન અને પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયામાં ભિન્નતા જોવા મળે છે.અને તેના ખર્ચની અસર જેતે વસ્તુના ભાવો પર પડે છે. તેમજ એક બજાર વિસ્તાર માંથી અન્ય બજાર વિસ્તારમાં કૃષિ પેદાશો ખસેડવાનો પરિવહન ખર્ચ અને બીજા અનેક પ્રકારના આર્થિક બોજાનો સામનો કરવો પડે છે.વળી બજારમાં પણ મધ્યસ્થી ખર્ચ ,બગાડના રૂપે પણ ખેડૂતે ઘણું નુકશાન વેઠવું પડે છે.આવા અનેક પરિબળોને લીધે કૃષિ અર્થતંત્રમાં અનેક મુશ્કેલીઓનો વધારો થયો.આવા સમયે એક એવા પ્લેટફોર્મની જરૂર હતી કે જેના દ્વારા રાજય અને રાષ્ટ્રીય સ્તરના આધુનિક માધ્યમોના ઉપયોગ દ્વારા બજારોમાં સમાનતા,યોગ્ય વળતર,સુવ્યવસ્થિત માળખાના સર્જન દ્વારા ખેડૂતો,વેપારીઓની સમસ્યાઓનું સમાધાન આવે અને પ્રક્રિયા ઝડપી બને.

હાલ ઈ-નામના માધ્યમથી ૧૨૪ જેટલી વિવિધ કૃષિ પેદાશોનું ઓનલાઇન ખરીદ વેચાણ થઈ શકે છે.રાષ્ટ્રીય કૃષિ બજારના માધ્યમથી સમગ્ર દેશને એક છત્ર નીચે માર્કેટના રૂપમાં વિકસિત કરવામાં આવેલ છે જેથી એક રાજ્યના ખેડૂત ખુબ સરળતાથી દેશની કોઈ પણ માર્કેટમાં પોતાની ખેત પેદાશોનુ સરળતાથી વેચાણ કરી પોષણક્ષમ ભાવો મેળવી શકે.આ યોજનાનો સીધો લાભ ખેડૂતો,વ્યાપારીઓ અને ગ્રાહકોને થશે.એક જ લાઈસન્સ દ્વારા અન્ય કોઈ પણ બજાર વિસ્તારમાં પણ સરળતાથી ખરીદ-વેચાણ કરી શકશે.ભાવોમા પારદર્શકતા રહે તે માટે ઓનલાઈન હરાજી કરવામાં આવે છે.

ઈ-નામ પર કઈ ખેત પેદાશોની લે-વેચ થઈ શકે?

ઈ-નામ કાર્ય પ્રણાલી

ઈ-નામ ઈલેક્ટ્રોનિક ટેડિંગ પ્લેટફોર્મ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય) દ્વારા બનાવવામાં આવ્યું છે.જેમાં રાજ્યના કોઈપણ ખાનગી કે નિયંત્રિત માર્કેટ યાર્ડ ચોક્કસ નિયમોને આધીન જોડાઈ શકે છે. અ માટે વિશેષ સોફ્ટવેર દરેક બજારોમાં ઉપલબ્ધ કરવવામાં આવેલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકારે નાના ખેડૂતો માટેના કૃષિઉદ્યોગ સંઘ (SFAC) ની નિમણૂંક ઈ-નામની મુખ્ય અમલીકરણ એજન્સી તરીકે કરી છે. જે ઈ-નામ પ્લેટફોર્મની જાળવણી અને સંચાલન કરશે.

“સુધારાને સરહદ નથી, પ્રગતિને અલ્પવિરામ નથી” એ ન્યાયે દિવસેને દિવસે અનેક આયામોમાં સુધારા વધારા સાથે ઈ-નામ કાર્યરત છે. આવનારા દિવસોમાં કૃષિ અર્થતંત્રને મજબુત બનાવવમાં માટે ઈ-નામ એ ખુબ અગત્યનું પ્લેટફોર્મ સાબિત થશે.

વધુ માહિતી માટે :વેબસાઈટ : http://www.enam.gov.in ,

ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૭૦ ૦૨૨૪

Written By :-V.R. Bhimani
Research Fellow
NAU, Navsari

સંદર્ભ : http://www.enam.gov.in/enam