નર્મદા કેનાલ ખોતરી નાખનારા ઉંદરડા અને નોળીયા બે પગવાળા હતા કે ચાર પગવાળા ?

ગઈકાલે વિધાનસભા ગૃહમાં ગુજરાત સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક પર ચર્ચા હતી. આ વિધેયકની ચર્ચામાં ભાગ લેતાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને દાણીલીમડા વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું કે, જ્યારે પાણીનું વેચાણ થાય કે પાણીની ચોરી થાય ત્યારે સમજવું કે કળિયુગ આવ્યો છે.
એક જમાનો હતો જ્યારે અંગ્રેજો દરેક વસ્તુ પર કર નાંખતા હતા. પાણી હોય, અનાજ હોય કે અન્ય કોઈ બાબત હોય, મીઠા ઉપર પણ અંગ્રેજો કર નાંખતા હતા અને લોકો એની સામે આંદોલન કરતા હતા.
2013માં સરકાર દ્વારા આ બિલ લાવવામાં આવ્યું હતું. વિધાનસભા ગૃહમાં તેની ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા પણ થઈ હતી અને કોંગ્રેસ પક્ષે આ બિલના વિરોધ સાથે વોકઆઉટ કર્યો હતો. 2013થી 6 વર્ષના સમયગાળામાં પુનઃ બિલ લાવવાની જરૂરિયાત ઉભી થઈ તેના પરથી રાજ્ય સરકારે ઘડેલો કાયદો નિષ્ફળ ગયો છે તેવું સાબિત થાય છે.
પરમારે જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો પર આરોપ મૂકે છે કે, ખેડૂતો કેનાલો તોડી નાંખે છે, ખેડૂતો પાઈપ દ્વારા, મોટર દ્વારા પાણીની ચોરી કરે છે, પરંતુ જે ખેડૂતો ખેતી કરે છે એને પાણીની ચોરી કરવાની જરૂર નથી પણ રાજ્ય સરકાર સિંચાઈનું પાણી આપવામાં નબળી પુરવાર થઈ છે એટલે ખેડૂતો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સરકાર નાના માણસને જેલમાં નાંખવાની વાત કરે છે જ્યારે મોટાને મલાઈદારની વાત કરે છે.
નર્મદા કેનાલમાં પડેલ ગાબડા અંગે કોની સામે શું કાર્યવાહી કરી ? ગાબડા કેમ પડયા ? આ માટે કોઈ એજન્સી સામે પગલાં લીધા કે કેમ ? તેના જવાબમાં મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, ઉંદરડા અને નોળીયાએ આ નર્મદા કેનાલ ખોતરી નાંખી છે. આ નોળીયા કે ઉંદર બે પગવાળા હતા કે ચાર પગવાળા હતા તેની તપાસ કરવી જરૂરી છે. નર્મદા કેનાલમાં પડેલ ગાબડા અંગે ભાજપ સરકારે કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સી સામે પગલાં લીધાં હોય તેવો એકપણ બનાવ નથી.
આજે પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પાણીની તકલીફ છે, આ માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો ગેનીબેન ઠાકોર, નથાભાઈ પટેલ, શિવાભાઈ ભુરીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા વારંવાર ગૃહમાં રજૂઆત કરી થાકી ગયા છે.