September 21, 2021

અભણ વિધવા માતાએ પાંચ સંતાનોને રાત-દિવસ જોયા વિના કાળી મજૂરી કરીને ભણાવ્યાં- હાલમાં 2 દીકરીઓ છે પોલીસ

Share post

‘માતા’ આ શબ્દ જ ઘણુંબધું કહી જાય છે. આ શબ્દમાં નિ:સ્વાર્થ પ્રેમ રહેલો છે. સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક પ્રેરણાદાયક જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ઘરના એકમાત્ર કમાનાર મોભીની અચાનક ચીર વિદાય થઇ જાય છે. આની પાછળ 4 દીકરીને ઉછેરવાની જવાબદારી માથા પર આવી જાય.

જયારે એક બાળક ગર્ભમાં ઉછેરતું હોય ત્યારે તે મહિલાના દુ:ખની કલ્પના કરવી ખુબ અઘરી છે. ભલભલા ભાયડા પણ આવી આપત્તિનો સામનો કરવામાં હામ હારી જતા હોય છે ત્યારે અબળા કહેવાતી એક નારી ‘મર્દાની’ બનીને દુ:ખના તૂટી પડેલા પહાડની વચ્ચેથી માર્ગ કાઢે ત્યારે તેને મનોમન વંદન કરવાનું મન થાય છે. હાલમાં આપણે નખત્રાણાના રહેવાસી અનુસુચિત જાતીની મહિલા મગીબાઇ બડીયાની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ.

મગીબાઇ જ્યારે ફક્ત 34 વર્ષના હતા ત્યારે અચાનક જ આઘાતજનક સમાચાર આવ્યા કે, વિદેશ કમાવવા માટે ગયેલ તેમના પતિ દેવજીભાઇનું આકસ્મિક રીતે નિધન થયું છે. મગીબાઇ માટે એક બાજુ પતિના મૃત્યુનો વજ્રઘાત થયો હતો જયારે બીજી તરફ સગીર તથા બાળવયની 4 પુત્રીના ઉછેર તથા લાલન પાલનનો વિકટ પ્રશ્ન વિકરાળ બનીને સામો ઉભો રહી ગયો હતો. પાંચમું સંતાન હજુ ગર્ભમાં ઉછરી રહ્યું હતું.

અશિક્ષિત મગીબાઇ પર ઘરની તમામ જવાબદારીઓ આવી પડી હતી. અહીંથી શરૂ થાય છે વિધવા માતાની સંઘર્ષની કહાની. પતિના નિધન વખતે સૌથી મોટી 15 વર્ષની દીકરી જયશ્રી ભણવામાં ખુબ હોશિયાર હતી પણ આવા કપરા સમયમાં તેને વિચાર આવ્યો હતો કે, શાળા મૂકીને માતાની સાથે મજૂરી કામ કરે કે, જેથી પરિવારને આર્થિક ટેકો મળી રહે પણ માતા મગીબાઇએ તેને મજૂરી કામ કરાવવાની જગ્યાએ ભણાવવાનો આગ્રહ રાખ્યો હતો.

પોતે ભલે અભણ હોય પરંતુ બાળકોને ખુબ સારું શિક્ષણ અપાવશે એવાં ધ્યેયની સાથે વાડીમાં અથવા છૂટક મજૂરી કામ કરીને બાળકોને ભણાવ્યા હતાં. ક્યારેક ભાઇ ભારમલભાઇ કુડેચા બહેનને મદદ કરતા હતાં, ભાણેજોના અભ્યાસ અંગે માર્ગદર્શન પણ આપતા અલબત્ત ગામની મહિલાઓ મગીબાઇને સલાહ આપતી હતી કે, દિકરીઓને ભણાવાય નહીં, છેવટે તો તે સાસરીયે જ જવાની છે ને ?

આવી અનેક વાતો સાંભળી હતી પણ તેને ગણકાર્યા વિના ફક્ત એક જ ધ્યેય રાખ્યો હતો ,કે બાળકોને તો ભણાવવા જ છે. નાની એવી ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેસનાર જયશ્રીએ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે ટ્યુશન ક્લાસ, સિવણ ક્લાસના વર્ગોની શરૂઆત કરી હતી. આની સાથે જ તેના નાના ભાઇ-બહેનોને ભણાવવાની જવાબદારી પણ તે નિભાવવા લાગી હતી.

આમ માતાની મહેનત તેમજ દીકરીઓની લગનીને લીધે હાલમાં બન્ને દિકરીઓ જયશ્રી કે, જેણે PTC, BA સુધીનો તથા નિશા BA સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને પોલીસ ખાતામાં નિમણૂંક પામી ગઇ છે. કુલ 4 મહિનાની તાલીમ પણ પૂર્ણ કરી ચૂકી છે. બન્ને દિકરીઓની પોલીસમાં ભરતી થતાં મગીબાઇ હાલમાં ગર્વથી લોકોને જણાવે છે કે, આ ખાખી વર્દીમાં છે એ બન્ને મારી દિકરીઓ છે.

સંતાનોને ભણાવવાનું મારા પતિનું સપનું સાકાર થયું: મગીબાઈ
પતિના અચાનક નિધન થયા બાદ ઘર ચલાવવાની જવાબદારી મારા પર આવી ગઇ હતી, કુલ 4 દીકરી તથા એક બાળકને ભણવામાં કોઇ કચાશ ન રહી જાય તેની સદાય મને ચિંતા રહેતી હતી. બાળકો શિક્ષીત થાય એ પતિનું સપનું હતું જે હાલમાં સાકાર થયું છે. કયા ક્ષેત્રમાં જવું છે તેની માટે કોઇ દિવસ પણ બાળકો પર દબાણ કર્યું નથી, મેં ભલે દિવસ રાત જોયા વિના કાળી મજૂરી કરી હોય પરંતુ હવે મારા માટે જાણે સુખનો સૂરજ ઉગ્યો હોય એવું જણાઈ રહ્યું છે.

બહેન જયશ્રી મા સમોવડી બનીને હાલમાં મને કાબેલ બનાવી: નિશા
BA સુધીનો અભ્યાસ મેળવી ચૂકેલી વિધવા મગીબાઇની ત્રીજા નંબરની દીકરી નિશા પણ મોટી બહેનની સાથે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામી છે તેમજ હાલમાં ભુજ ખાતે તાલીમ લઇ રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વખતે મોટી બહેન જયશ્રીએ ખૂબ સહકાર આપ્યો હતો તેમજ ઘણું બધું શીખવ્યું હતું. આની સાથે જ મોટી બહેન મા સમોવડી બની રહી હતી. માતાએ મારા માટે કરેલ સંઘર્ષમાં બહેન પણ એટલી જ ભાગીદાર છે.

માતા-પતિનો સહકાર ન મળ્યો હોત તો આજે હું પોલીસ ના બની શકી હોત: જયશ્રી
ડો. બી.આર. આંબેડકરને આદર્શ માનતા જયશ્રીબેન કહે છે કે, અમને ભણાવવામાં માતાએ કોઇ કચાશ રાખી ન હતી. આટલી મોટી મુશ્કેલી આવી હોવા છતાં પણ મા એ દિવસ રાત જોયા વિના ફક્ત અમારા ભણતરની ચિંતા કરીને અમને ભણાવ્યા હતાં. પોલીસમાં કોન્સ્ટેબલ એ તો મારી સફળતાનું સૌપ્રથમ પગથીયું છે તેમ કહેતા જયશ્રીબેન કહે છે કે, લગ્ન થયા બાદ મને પોલીસમાં નોકરી મળી હતી.

હાલમાં પાટણમાં તાલીમ શરુ છેે, તેનો શ્રેય હું મારી માતાની સાથે સાસરિયા તેમજ પતિ નિખીલને પણ આપું છું. પતિ દ્વારા હંમેશાં સ્પર્ધાત્મક પરિક્ષા માટે પ્રોત્સાહન મળતું રહ્યું છે. સાસરિયાંઓ પણ આ બાબતે મને ખૂબ જ પ્રેરકબળ પૂરું પાડ્યું છે. કોઇપણ સ્થિતિમાં શિક્ષણ મેળવવું જોઇએ તેમજ ખાસ કરીને દીકરીઓને મળવું જોઈએ.

મહિલા અબળ નહીં પણ સબળા છે, જો કોઇપણ દિકરી ભણીગણીને પગભર બનશે તો આત્મસન્માન તેનામાં આપમેળે ઝળકી ઉઠશે તેમજ કોઇપણ ક્ષેત્રમાં કાઠુ કાઢશે તેમાં કોઇ બેમત નથી. અડધો રોટલો ખાઇને પણ દિકરીઓને શિક્ષણ અપાવવું જ જોઇએ તેવી પોતાની માતાની ભાવનાને ટાંકીને જયશ્રીએ અપીલ કરી હતી. આ હતી સંઘર્ષથી ભરપુર ર્ક માતાની કહાની.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post