September 18, 2021

ખેતી કરવી સહેલી નથી; કિસાનોએ રોજે લડત લડવી પડે છે! વાંચો પૂર્વ IPS રમેશ સવાણી સાહેબ શું કહે છે

Share post

ભારત સરકારના પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાહેબ અવારનવાર ખેડુંહિતની વાત લોકો સમક્ષ મુક્ત રહે છે. ત્યારે તેમનો વધુ એક આર્ટીકલ આજે તમારા સુધી અમે પહોચાડીશું. જેને આપ સૌ મિત્રો વધુને વધુ લોકો સુધી પહોચાડીને શેર કરજો જેથી તેમની આ વાત સરકાર અને અધિકારીઓ સુધી પહોચે અને ખેડૂત હિતનું ઘટતું કાર્ય કરે.

દિલ્હી બોર્ડર ઉપર કિસાનો 20 દિવસથી પડાવ નાંખીને ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત ખેંચવાની માંગણી લઈને બેઠાં છે. વડાપ્રધાનને તે તરફ જોવાનો સમય નથી. સરકાર/વડાપ્રધાનને ખેતી કઈ રીતે થાય છે તેની સમજ હોય તેમ જણાતું નથી. ખેતીના જોખમોની તેમને ખબર નથી. વડાપ્રધાન દિલ્હીમાં કિસાનો સાથે વાતચીત કરતા નથી; પરંતુ 15 ડીસેમ્બર 2020 ના રોજ કચ્છમાં આવીને કહ્યું કે ‘જો કોઇ તમારી પાસે દૂધ લેવાનો કોન્ટ્રાક્ટ કરે છે; તો શું ભેંશ લઇને જતો રહે છે?

કિસાનોને ભ્રમિત કરવામાં આવે છે !’ ભેંશ લઈ જાય તો ખબર પડે કે કઈ રીતે પશુપાલન થાય ! નર્મદા કેનાલના કમાન્ડ એરિયાની જમીનો બિલ્ડરો/કાળાબજારિયા/મૂડીપતિઓ લઈ ગયાના દાખલા છે ! 100 એકર જમીનમાં કોઈ કિસાન Silos/સ્ટોરેજ બનાવી શકે? એ અદાણી/અંબાણી/બાબા રામદેવ જ બનાવી શકે !

‘જય જવાન, જય કિસાન’ બોલવું સહેલું છે; કામ ઘણું જ મુશ્કેલ છે ! હું પોતે ખેડૂત છું, 70 વીઘા જમીન ધરાવું છું. સખત તાપ/ઠંડીમાં ખેડૂતની શું દશા થાય તેની ખબર છે. ખેતીમાં મેં અનેક પ્રયોગો કર્યા છે. જ્યારે ચેકડેમ યોજનાનો ગુજરાત સરકારે આરંભ નહોતો કર્યો ત્યારે 1995 માં ખેતરના શેઢા પાસેના વોંકળામાં મેં બહુ જ ઓછા ખર્ચે મિનિ ચેકડેમ બનાવ્યો હતો. ખેતરની બાજુમાં જ સીતાપરી નદી છે; તેના કાંઠે કૂવો બનાવ્યો અને PVC પાઈપ દ્વારા ખેતરમાં પાણી પહોંચાડ્યું. શરુઆતમાં ડીઝલ એન્જિન મૂક્યું હતું; વર્ષો સુધી રાહ જોઈને વીજળી કનેક્શન મેળવ્યું. વીજળી પણ રાત્રે 1 વાગ્યે આપે; 8 કલાક માટે ! તેમાંય ઝટકા આવે.

પાકમાં/વાવેતરમાં અનેક અખતરા કર્યા. 1985થી મગફળીનું વાવેતર બંધ થઈ ગયું હતું; માત્ર કપાસનું વાવેતર થતું હતું. 2007 માં પપૈયા કર્યા પણ ચોમાસું નબળું થયું એટલે જ્યારે પુષ્કળ પોપૈયા બેઠાં ત્યારે પાણી ન મળવાથી પાક નિષ્ફળ ગયો.

2008 માં, ફ્રાન્સની Clause કંપનીના ‘અરુણ’ તરબૂચની ખેતી કરી; પુષ્કળ ઉત્પાદન થયું; ક્વોલિટી પણ ઉત્તમ. પરંતુ તેના વેચાણ માટે દિલ્હી જવું પડ્યું. ટ્રકભાડું 40,000 થયું હતું ! હાલ તો 80,000 ટ્રકભાડું થાય !

ઉમરા બોરની ખેતી કરી; ઉત્તમ ક્વોલિટી પણ વેચવા કોડિનાર/જામનગર જવું પડે. 2016 માં થાઈલેન્ડ સીડલેસ લીંબું કર્યા; પરંતુ ઉનાળામાં વધુ પડતી ગરમીના કારણે લીંબુ ઉપર ડાઘ પડી જવાને કારણે બજારમાં ભાવ મળતો ન હતો. રીલાયન્સ મોલમાં લીંબુ મોકલાવતો હતો; પણ રીજેકશનનું પ્રમાણ વધી ગયું ! કિંમતી રોપાનો ખર્ચ માથે પડ્યો !

2020માં ઉનાળામાં રોહિણી નામની મગફળી કરી, થ્રીપ્સના કારણે વિધે 6 મણ થઈ. ચોમાસામાં અર્ધવેલડી મગફળી 22 નંબર કરી, પણ વધુ પડતા વરસાદના કારણે વિધે 6 મણ જ થઈ ! જેટલો ખર્ચ કર્યો, તેટલું વળતર પણ ન મળ્યું, ખોટ ગઈ ! સામાન્ય રીતે વિધે 20-25 મણ થાય.

કપાસમાં ગુલાબી ઇયળના એટેકના કારણે વિધે 15 મણ કપાસ થશે; જે વિધે 35-40 મણ થવો જોઈએ. ખેતીમાં ઉત્પાદન ખર્ચ વધી ગયો છે; બિયારણ/ફર્ટિલાઈઝર/પેસ્ટિસાઈડ/ટ્રેક્ટર આધારિત ખેતી હોવાથી ડીઝલ વગેરેમાં અનેક ગણી કિંમત વધી ગઈ છે.

2006 થી 2020 સુધી સરકારે ‘કૃષિરથ’ કાઢીને હાથ ઊંચા કરી દીધા ! સરકારી કર્મચારીઓના વેતનમાં 150 ગણો વધારો થયો; જ્યારે કૃષિ પેદાશોના ભાવ તો એનો એ જ રહ્યો ! વેપારીઓ, કૃષિ પેદાશો સસ્તામાં લઈને ઊંચી કિંમતે ગ્રાહકોને વેચે છે. તમામ ખેડૂતો GST ભરે છે. સરકારનું ડિંડક તો જૂઓ; એક તરફ ડ્રીપ ઈરીગેશનમાં સબસિડી આપે તો બીજી તરફ ડ્રીપ માટે ખેડૂતો GST ભરે !

ગૌવંશની હત્યાનો કાયદો સરકારે બનાવ્યો પણ એક પણ નવી પાંજરાપોળ ન બનાવી; તેથી ગામેગામ આખલાઓ ફરી રહ્યા છે અને ઊભા પાકમાં ભેલાણ કરે છે ! ભૂંડ અને રોઝડાનો ત્રાસ છે. કૃષિ પેદાશની ચોરીઓ થાય છે પણ પોલીસ FIR નોંધાતી નથી; અરજીમાં પતાવી દે છે ! ચોર ખાય, મોર ખાય, ઊંદર ખાય, ઢોર ખાય; કોર્પોરેટ કંપનીઓ ખાય; એ પછી વધે તો કિસાન ખાય ! ખેતી કરવી સહેલી નથી; કિસાનોએ રોજે લડત લડવી પડે છે ! દુખની વાત એ છે કે ખુદ વડાપ્રધાન કોર્પોરેટ મિત્રોને કારણે કિસાનોને ભ્રમિત કરી રહ્યા છે !rs


Share post