September 22, 2021

અંગ્રેજો સામે સત્યાગ્રહ કરતા 80 રાજપૂત વિરલાઓને દગો દઈને માર્યા, આજે પણ સાક્ષી પૂરે છે તેમની ખાંભીઓ

Share post

જુનાગઢના નાક સમાન ગણાતાં અને મેંદરડાની નજીક આવેલા કનડા ડુંગર ઉપર પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 ને 28 જાન્યુઆરી 1883 ના દિવસે જુનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. પરંતુ ગાડામાં ભરેલો સામાન કાંઇક અલગ જ પ્રકારનો હતો. ગાડાઓમાંથી વહેતું રક્ત રસ્તાઓને લાલ-તરબોળ કરી રહ્યું હતું, ત્યારે 80 થી પણ વધારે ધડ વગરના એ શીશ હતા કોના ? એ શીશ હતા મહિયા રાજપૂત શૂરવીરોના.

જુનાગઢના મહિયા રાજપૂતોએ અંગ્રેજ હકુમત દ્વારા જમીન ઉપરનો મહેસુલી કરના વિરોધમાં મહિયા રાજપૂતો સત્યાગ્રહ પર બેઠા હતા. આ રાજપૂતોને અંગ્રેજ હકુમતના શાસન દરમિયાન જુનાગઢના નવાબની ફોજે દગાબાજીથી બધા શૂરવીરોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને માથા વાઢી ગાડા ભરીને જુનાગઢ લઈ જવાયા હતા !

સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર દ્વારા મહેસુલી કર વસૂલવાના નિયમ સામે દેશનો આ પહેલો સત્યાગ્રહ હતો, જેમાં 80 જેટલા મહિયા રાજપૂત સમાજના નરબંકા યુવાનોને જુનાગઢ નવાબની ફોજે કાવતરું ઘડી દગાથી તલવારબાજી અને ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ હત્યાકાંડ જુનાગઢના પાદર સમા ગણાતા કનડા ડુંગર ઉપર 28 જાન્યુઆરીની 1883 પોષ વદ પાંચમ વિક્રમ સંવત 1939 ના રવિવાર ની વહેલી સવારે થયો હતો !
ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા સ્થળો છે, કે જ્યાં એક સાથે આટલી મોટી સંખ્યામાં બલિદાનીઓની ખાંભીઓ જોવા મળે છે. કનડા ડુંગરની ટોચે 80થી પણ વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ એ મહિયા રાજપૂતોના બલિદાન અને તેમની વિરતાની નિશાની છે !

ઉલ્લેખનીય છે કે મહિયા રાજપૂતે એટલે ખમી, લડવૈયા પ્રજાતિ. તેથી તેમના સાહસને પારખી ગયેલા જુનાગઢના બાબી વંશના નવાબ શેરખાને તેમને પોતાની સેનામાં સ્થાન આપ્યું હતું. પંરતુ 19મી સદીની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં બ્રિટિશર્સનું આગમન થયું હતું. અંગ્રેજો આવતા જ નવાબ શેરખાન તેમના ખોળામાં જઈને વસ્યા. બસ, ત્યારથી જ નવાબ અને મહીયા રાજપૂતો વચ્ચે તિરાડ પડી હતી.

અંગ્રેજોએ 1857ના વિપ્લવ બાદ મહિયા રાજપૂતો પર ભીંસ વધી હતી. અત્યાર સુધી જે મહિયા રાજપૂતો નવાબની સેનામાં સેવા કરતા હતા, હવે તેમની પાસેથી જમીન વેરો વસૂલાતો હતો. મહીયાઓએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારે બંને વચ્ચે એક સાંજે સંઘર્ષ થયો હતો. જેમાં મહીયા રાજપૂતોનો કતેલઆમ કરાયો હતો. જેમાંથી 80 મહીયાઓના ધડ અને માથા અલગ કરવામાં આવ્યા હતા. જેમાંથી ધડને ડુંગરની ટોચે રાખીને માત્ર માથા ગાડામાં ભરીને નીચે મોકલાયા હતા.

આપણું કાઠીયાવાડ તો શૂરાઓની ભૂમિ છે. અસંખ્ય શૂરવિરોએ પોતાની જાતને લોકોના અને ગાયોના રક્ષણ માટે હોમી દીધી છે, પરંતુ એવા ઓછા સ્થળો હશે જ્યાં એક સાથે એટલી સંખ્યામાં ખાંભીઓ જોવા મળે. કનડાના ડુંગરની ટોચે આશરે 80 કરતાં વધારે ખાંભીઓ આવેલી છે. આ ખાંભીઓ મહિયા રાજપૂત સમાજના એ યુવાન શહીદોની વિરતાની નિશાની છે.

આ શૌર્યકથા સાંભળવા માત્રથી આપના રૂવાડા ઊભા થઈ જાય છે, ત્યારે વિચાર કરો કે એ દ્રશ્ય કેટલું ભયાનક અને હૃદયદ્રાવક હશે? જ્યારે એક સાથે 80 યુવાનોના લોહી નીતરતા માથા એમની માતૃભૂમિના લોહીના રંગે રંગતા જતાં હશે. એ યુવાનોની શૂરવીરતા અને બહાદુરીને સલામ કે જેમણે અન્યાયનો વિરોધ કરી પોતાના જીવ આપી દીધા.


Share post