September 23, 2021

ગોંડલના ખેડૂતે બુદ્ધિ અને મહેનતથી કરી એવી ખેતી કે તીખા મરચાંમાં મેળવી લીધી મીઠી આવક

Share post

રોજીંદા જીવન દરમિયાન લીલા તેમજ સૂકા મસાલા પાકનું મહત્ત્વ ખૂબ જ વધી રહ્યું છે. સૂકા મસાલા તરીકે મરચાંની પણ રોજિંદા જીવનમાં આગવી જરૂરિયાત બની છે. ગુજરાતમાં ગોંડલિયું મરચું તેની આગવી છાપ છોડે છે. લાલ તીખાં મરચાંની ખેતી મેનેજમેન્ટ સાથે ખાતર પાણીની યોગ્ય મહેનત પણ માંગે છે. ત્યારે મરચાંની ડ્રિપ ઈરિગેશન સાથે આધુનિક પદ્ધતિના સંશોધિત બિયારણોનો ઉપયોગ કરીને ખેતીમાં સફળ રહ્યા છે ગોંડલ તાલુકાના ત્રાકુડાના હામિદ અયુબભાઈ ગુંગા.

હામિદભાઈએ છેલ્લા પાંચ વર્ષથી મરચાંની ખેતી કરી રહ્યા છે. બજારમાં પણ ગોંડલના મરચાંની વિશેષ માગ રહે છે. રાજકોટના ગોંડલ તાલુકામાં શિયાળો પૂરો થવા આવે તે પહેલાં તો ખેતીલાયક પાણી પૂરું થઈ જતું હોય છે. ઘણી વખત ખેડૂતોનો પાક પાણીના અભાવે સુકાતો હોય છે. હાલમાં મરચાંનું ઉત્પાદન જોતાં 30 થી 35 મણ સુધીનું ઉત્પાદન મળવાનો ખેડૂતને અંદાજ છે.

20 વીઘા જમીન ધરાવતા હામિદભાઈએ આ વર્ષે 7 વીઘામાં ડ્રિપ ઈરિગેશનથી મરચાંની હાઈબ્રીડ વેરાયટીનું વાવેતર કર્યું છે. તો 6 વીઘામાં ટામેટાંનું પણ વાવેતર છે. 8 મહિનાનો પાક ગણાતા મરચાંનું તેઓએ ડ્રિપ, મલ્ચિંગ સાથે વાવેતર કર્યું છે. મરચાંના રોપા 6 મહિનામાં ઉછેરી 7માં મહિનામાં ફેરરોપણી કરી હતી. મરચાંના બે રોપ વચ્ચે 1 ફૂટ અને જોડિયા હાર પદ્ધતિમાં સાડા પાંચ ફૂટનું અંતર રાખ્યું છે. ફેરરોપણીમાં 1 વીઘામાં લગભગ 6000 જેટલા રોપા આવે છે. મરચાંના વાવેતર માટે તેઓએ કુલ 40 પડીકીનું ધરુ ઉછેર્યું હતું. 1 વીઘે એનપીકે 25 કિલો. 5 કિલો ઝીંક પ્લસ, અને 15 કિલો પોટાશ વગેરે ખાતરો પાયામાં આપ્યા છે. 1 વીઘામાં મલ્ચિંગ પાછળ 4 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે.

મરચાંની ખેતીમાં મહેનત ખૂબ રહે છે. ચોમાસામાં વાયરસ ના આવે તેનું ધ્યાન આપવું પડે. નહીં તો મરચાંનો પાક ખર્ચા કરાવ્યા પછી હાથમાંથી જતો રહે છે. મરચાંના સારા વિકાસ માટે રોપ ચોપ્યા પછી હ્યુમિક એસિડ મૂળના વિકાસ માટે આપ્યું છે. માઈક્રો ન્યુટ્રિયન્ટ 19-19-19- તથા 12-61-0 જેવા પ્રવાહી ખાતરો ડ્રિપમાં આપ્યા છે. ફેરરોપણીના 1 મહિને ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે. મરચાંમાં 2 મહિને લીલી વીણી ચાલુ થાય છે. આ પાકમાંથી લીલા મરચાંની 2 વીણીમાં કુલ 6000 કિલો લીલા મરચાંનું વેચાણ કર્યું છે. 1 કિલો મરચાંના 15 રૂપિયા જેટલો એવરેજ ભાવ મળ્યો હતો. તે પછી લાલ મરચાં માટે પાકને છોડી દેવામાં આવે છે. મરચાંમાં દર 3 દિવસે ડ્રિપથી 4 કલાક પિયત આપ્યું છે. આ સિવાય ફંગિસાઈડ અને પેસ્ટિસાઈડનો પણ છંટકાવ કરવો પડે છે.

આધુનિક ટેકનોલોજી હોય ડ્રિપ મલ્ચિંગના કારણે છોડનો ગ્રોથ પણ સારો મળ્યો છે. મરચાંની ખેતીમાં જેમ જેમ છોડ પર લાલ પરિપક્વ મરચાં તૈયાર થતા જાય તેમ તેમ તેની વીણી કરી લેવામાં આવે છે. તે પછી ખેતરમાં જ તેના પાથરા કરીને 15 દિવસ સુધી સૂર્ય તાપમાં તપાવવામાં આવે છે. મરચાંના પાથરા કર્યા પછી તેને ઉથલાવીને ઉપર નીચે કરવાથી બધા જ મરચાં એક સાથે સુકાઈને તૈયાર થઈ જાય. હાલમાં છોડ પર મરચાંની સ્થિતિ જોતા વીઘે 35 થી 40 મણ જેટલા સુકાં મરચાંનું ઉત્પાદન થવાનો અંદાજ છે.

મરચાંની ખેતીમાં બિયારણ, દવા, ખાતર વગેરેનો ખર્ચ આવે છે. છેલ્લા પાંચ વર્ષના અનુભવે તેમને 1 વીઘામાં 15 થી 17 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે. મરચાંની ખેતી ચોથા ભાગે આપેલી હોય ભાગિયાનો ચોથો ભાગ રહે છે. જે ઉત્પાદન થાય તેનો ચોથો ભાગ ભાગિયાનો રહે છે. જેણે દવા છંટકાવ, રોપણી, વીણી સહિતના મજૂરી કાર્ય કરવાનું રહે છે. 1 વીઘે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા જેટલી આવક મરચાંના વેચાણથી થઈ શકે છે. તો 1 મણ મરચાંનો બજાર ભાવ 2500 થી 3000 રૂપિયા આસપાસ રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post