September 18, 2021

ખેડૂતો માટે આનંદના સમાચાર : નર્મદા ડેમની સપાટીમાં વધારો, આજથી મળશે પાણી

Share post

આજે અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર અવસરે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવરની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવરની સપાટી હાલમાં 120.3 મીટરે પહોંચી છે. આજે નર્મદાની મુખ્ય કેનાલમાં 5300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને આજથી સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે આજે અષાઢી બીજના અવસરે સરકારે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને ચોમાસામાં વરસાદની ગેરહાજરીમાં પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે. રાજ્યના ખેડૂતો ઉનાળાથી સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યાં હતા.

ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદથી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 16033 ક્યુસેક પાણીની આવક થતા મુખ્ય કેનાલમાંથી 5307 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.

નર્મદા ડેમની મુખ્ય નહેર સાઇટ ખાતે કેવડીયા સબ-ડીવીઝનનાં મદદનીશ ઇજનેર વિકાસ ખોડાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે નર્મદાની મુખ્ય નહેરમાંથી સિંચાઇ માટે છોડાયેલું પાણી સૌરાષ્ટ્રના ધ્રાગંધ્રા, હળવદ, મોરબી, વઢવાણ ઉપરાંત વિરમગામ, પાટડી, માંડલ, સમી, હારીજ, રાધનપુર, સાંતલપુર, ભાભર, વાવ-થરાદ, રાપર અને ભચાઉના વિસ્તારોમાં પુરું પડાશે. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને અને સિંચાઇ માટેની જરૂરિયાતને લક્ષમાં લઇને ગુજરાતના જરૂરિયાતવાળા વિસ્તારોમાં સિંચાઇ માટે જરૂરી પાણીનો જથ્થો પુરો પડાશે તેમ શ્રી ખોડાએ ઉમેર્યું હતું. ગઇકાલ સુધી માત્ર પીવાના પાણી માટે 2800 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવતો હતો, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

નર્મદા ડેમના ઉપરવાસ-કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લીધે આજે તા.4 થી જુલાઇના રોજ સવારે 8-00 વાગ્યા સુધી નર્મદા ડેમમાં 16 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેને લીધે આજે સવારે 8.00 વાગ્યે નર્મદા ડેમની સપાટી 120.03 મીટર રહેવા પાણી છે, તેમ જણાવી નર્મદા ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ. દલવાણીએ ઉમેર્યું હતું કે, ડેમમાં પાણીની ઉક્ત આવકને લીધે ગઇકાલ કરતાં આજે ડેમની સપાટીમાં 17 સે.મી. વધારો નોંધાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 


Share post