September 22, 2021

ખેતી માટે આદર્શ છાણિયું ખાતર બનાવાની એકદમ સરળ રીત, પાકના સારા ઉતારા માટે શ્રેષ્ઠ

Share post

પરંપરાગત ખેતીમાં રસાયણિક ખાતરોને સૌથી પહેલાં તિલાંજલિ આપવામાં આવે છે. એને બદલે છાણિયું ખાતર વાપરવામાં આવે છે. છાણિયું ખાતર રસાયણિક ખાતર જેવો મબલક ઉતાર આપી શકતું નથી એવી એક સામાન્ય છાપ છે. પરંતુ આ છાપ એટલા માટે ઊભી થઈ છે કે છાણિયું ખાતર બનાવવાની પદ્ધતિ આપણે ધીમે ધીમે ભૂલી બેઠા છીએ. છાણિયું ખાતર એટલે માત્ર સડાવેલું છાણ અને કચરાનો ઢગલો એવું માની બેઠા છીએ.

વ્યવહારૂ અને બિનખર્ચાળ પદ્ધતિ

છાણિયું ખાતર બનાવવામાં આપણા વડીલોએ વિકસાવેલ વ્યવહારૂ, બિનખર્ચાળ અને શ્રેષ્ઠ ઉત્પાદન આપનાર પદ્ધતિ અપનાવવામાં આવે તો છાણિયું ખાતર રસાયણિક ખાતર જેટલું, બલ્કે એનાથીય વધુ ઉત્પાદન આપી શકે છે. વળી એના ઉપયોગથી ધરતીના રસકસ જળવાઈ રહે છે એ સૌથી મોટો લાભ પણ મળી રહે છે. તો ચાલો ખેડૂતભાઈઓ, આપણે છાણિયું ખાતર બનાવવાની પારંપરિક રીત સમજીએ જેનાથી ઉત્પાદન રસાયણિક ખાતર જેવું મળી રહે અને તમારા ખેતરની જમીનને નુકસાન પણ ન થાય..

જંતુનાશક વાપરવાની જરૂર પણ ઘટે

એક વધારાનો લાભ એ પણ થાય છે કે પાકમાં નુકસાન કરતી, જમીન દ્વારા ફેલાતી વિવિધ રોગજન્ય ફૂગ અને બીજા જીવાણુઓનો નાશ પણ આપોઆપ થઈ જાય છે.

લગભગ ૧૪૦ જેટલી સ્વદેશી ગાયોની ગૌશાળા છેલ્લા દસેક વર્ષથી એરોબિક ડીકમ્પોઝિશન પદ્ધતિથી એક આદર્શ બાયોકમ્પોસ્ટ ખાતર તૈયાર કરીને સીધેસીધું કિસાનો, હોમ ગાર્ડન ધરાવતા ગૃહસ્થો, નર્સરી વગેરેને કિફાયત ભાવે વિતરણ કરે છે. આ ગૌશાળા બાવળા તાલુકાના કાવિઠા ગામે આવેલી છે. તે સંત વિનોબા ગ્રામ સ્વરાજ્ય આશ્રમના નામે કાર્યરત છે. ગૌશાળાએ ખેડૂતભાઈઓને વધુમા વધુ લાભ મળે એ માટે બાયોગેસ પ્લાન્ટ દ્વારા વૈકલ્પિક ઉર્જા- જૈવિક ખાતર ઉત્પાદન અને જૈવિક ખેતીની બાયોગેસ  પદ્ધતિ વિકસાવી છે.

આ પદ્ધતિ અનુસાર પશુઓના છાણ અને સેન્દ્રિય કચરાનો ઉપયોગ કરીને બાયોગેસ પ્લાન્ટનું આયોજન કરવામાં આવે તો એમાં ગેસરૂપે ચોખ્ખું અને સસ્તું બળતણ મળે. એમાં ૫૫ ટકા જવલનશીલ મિથેનગેસ હોય છે. તે ધુમાડો કર્યા વગર બળે છે. તે રસોઈ માટે સીધો વાપરી શકાય છે. ગેસરૂપી બળતણ આપવાની સાથે બાયોગેસ પ્લાન્ટમાં એક ઉત્તમ ક્વોલિટીનું જૈવિક ખાતર પણ પ્રાપ્ત થાય છે.

કેટલો ગેસ અને કેટલું ખાતર?

બાયોગેસના આ પ્લાન્ટમાં રોજ એક ઘનમીટર ગેસ ઉત્પન્ન કરી શકાય છે. તે માટે ૨૦થી ૨૫ કિલો ગોબર(છાણ)ની જરૂર હોય છે. જે ઘરના પશુઓ દ્વારા મળી રહે છે. રોજ એક ઘનમીટર ગેસ ઉત્પન્ન કરો તો વર્ષે ૩૬૫ ઘનમીટર ગેસ ઉત્પન્ન કરી શકાશે. એ ૨૩૦ લીટર કેરોસીન અથવા સવા અગિયાર ગેસ સિલિન્ડર જેટલું કામ આપશે.

બાયોગેસ પ્લાન્ટમાં નાંખેલા છાણ અને પાણીના કારણે એમાં સ્લરી (રબડી) બને છે. એ રબડીમાંથી આપણે દર વર્ષે ૧૦થી ૧૫ ટન જેટલું ઉત્તમ ક્વોલિટીનું જૈવિક ખાતર બનાવી શકીએ. બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને બાયો ડાયજેસ્ટ સ્લરી કહે છે. તેની સાથે છાણિયું ખાતર અને બીજા બાયોડીગ્રેડેબલ સેન્દ્રિય કચરો જેવાં કે ખેત અવશેષો, મરઘાં-બતકાંની અગાર, નિંદામણ વગેરે મેળવીને ખૂબ જ સમૃદ્ધ ખાતર મેળવી શકાય છે. ખાતર બનાવવાની વિવિધ પદ્ધતિઓ છે તે પૈકી સૌથી સાદી અને સરળ પદ્ધતિ અત્રે પ્રસ્તુત છે.

બાયોકમ્પોસ્ટ સેન્દ્રિય ખાતર

પશુપાલન કરતા હોય એવા ખેડૂતભાઈઓ અથવા પશુપાલકોના ઉકરડાનું સારી ક્વોલિટીનું એક ટ્રેકટર ટ્રોલી જેટલું છાણિયું ખાતર લેવું અને તેનો બાયોગેસ પ્લાન્ટની નજીક ઢગલો કરવો. હવે આ ઢગલામાં અલગ અલગ જગ્યાએ ખાડા કરી આપણા બાયોગેસ પ્લાન્ટ થકી મળતી સ્લરી (રબડી)ને રેડતા રહેવું. આ પક્રિયા આશરે ત્રણેક માસ ચાલુ રાખતાં આપણને સારું ડીકમ્પોસ્ટ ખાતર પ્રાપ્ત થશે.

આ ખાતરને વધુ સમૃદ્ધ બનાવવા માટે આ ઢગલા ઉપર આશરે ૫૦ કિલો સાારી ક્વોલિટીની લિંબોળીનો ખોળ પાથરી દેવો. લીમડાના ફૂલ, લીમડાના પાંદડા, લીમડાના બીજ, ડાળી, લીમડાની છાલ વગેરે પણ જરૂર નાંખવા. પછી એ ખાતરના ઢગલાને ખાંપીને મિક્સ કરી લેવો. ખાતરમાં ભેજનું પ્રમાણ ઓછું જણાય તો વધુ રબડીનો વપરાશ અવશ્ય કરવો.

બધું મિક્સ કર્યા પછી એ ઢગલાને પ્લાસ્ટિકની શીટ વડે ચારે બાજુએથી ઢાંકી દેવો. તેને આશરે ૧૦ દિવસ સુધી એમ જ મૂકી રાખવો. લીમડાનો ખોળ તથા લીમડાના અન્ય ભાગ નાંખવાથી તમારા ખેતરમાં પડેલ નુકસાન કારક ફૂગ, નીમેટોડ, ઉધઈ તથા અન્ય જીવાતોનું નિયંત્રણ થશે.

આ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા ખાતરનો ઉપયોગ કોઈપણ પાકમાં પાયાના ખાતર તરીકે કરવો. સાથોસાથ બાયોગેસ પ્લાન્ટની સ્લરીનો પૂર્તિ ખાતર તરીકે પિયત સાથે અથવા જમીનમાં ડ્રેન્ચીંગ દ્વારા ઉપયોગ કરવો. આ ખાતર અને રબડી બંનેનો ઉપયોગ કરવાથી કોઈપણ પાક લેવામાં આવેતો એના ઉત્પાદનમાં ઓછા ખર્ચે વધુ આવક ચોક્કસ મળશે.


Share post