September 26, 2021

જાણો આકરા ઉનાળામાં વરીયાળી કેટલી ફાયદા-કારક છે.

Share post

ઉનાળાની ગરમીઓ શરુ થઇ ગઇ ત્યારે ગરમીના કારણે એનેક મુશ્કેલીઓ પડે છે. જેવી કે એસિડીટીને કારણે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર કે ઉબકા આવવા, ભૂખ ન લાગવી જેવી પાચન સબંધિત તકલીફ થતી હોય કે પછી હાથ-પગનાં તળિયામાં બળતરા થાય, પરસેવો ખૂબ થાય, આંખોમાં બળતરા અને લાલાશ રહેતી હોય તો વળી માસિક ખૂબ વધુ પ્રમાણમાં આવતું હોય, માસિક સમયે પેઢુમાં ખૂબ દુખાવો થતો હોય કે ઉનાળાની શરૂઆત થતાં જ મ્હોંમાં ચાંદા પડવા, પાતળા ઝાડા થવા જેવી આંતરડામાં શોષણ સબંધિત તકલીફ થતી હોય – આ બધા જ અલગ-અલગ લક્ષણો મૂળત: તો વિકૃત પિત્તને કારણે જે-તે પ્રાકૃતિક ક્રિયામાં થતી પિત્ત સબંધિત તકલીફ જ છે. આથી જ એસિડીટીનાં લક્ષણ દૂર થાય તે માટે એસિડ ન્યુટ્રલાઈઝ કરે કે બળતરા દૂર કરવા ઠંડક કરે કે માસિકસ્ત્રાવ ઘટાડે તેવી સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવાને બદલે જયારે વિકૃત થયેલા પિત્તને સંતુલિત કરવા માટે જો આહાર, વિહાર અને ઔષધથી પ્રયત્ન કરવામાં આવે તો સંતુલિત થયેલા પિત્તથી ઉપર જણાવી તેવી પિત્તથી થતી તકલીફો સાહજિક રીતે મટી જાય છે. આથી જ આવા સમયે એવા ઔષધોનો ઉપયોગ કરવો જરૂરી બને છે જે માત્ર વિકૃત કરેલા પિત્તને સંતુલિત જ કરે તેટલું જ નહીં પરંતુ સાથે શરીરનાં પાચન, રક્તસંચારણ, મળ-મૂત્રના પ્રવાહણ જેવી વિવિધ ક્રિયાઓનું પણ નિયમન કરનારા હોય.

શિયાળા દરમ્યાન ઉગાડાતી વરિયાળી, શિયાળો ઉતરતા ખેતરોમાં લીલીછમ છવાઈ જતી હોય છે તેનાં છત્રાકાર ફુલ જેવા ઝુંડવા પર તાજી-લીલી વરિયાળી જોવામાં જેટલી સુંદર હોય છે, તેટલી જ સુગંધીદાર પણ હોય છે. મુખવાસ માટે ઉપયોગમાં લેવાતી વરિયાળીમાં તેની સુગંધનું તો ખાસ મહત્વ છે.

વરિયાળીની સુગંધ તેમાં રહેલાં સુગંધિત તેલને આભારી છે. વરિયાળીની સોડમની મનોદૈહિક અસર તેને પાચક-પાચનમાં મદદ કરે તેવી બનાવે છે. વરિયાળી ખાવાથી મ્હોંમાં લાલાસ્ત્રાવ તથા હોજરીમાં પાચકસ્ત્રાવનું સ્ત્રવણ થાય છે. આમ માત્ર મ્હોંને સુગંધ આપનાર મુખવાસ માત્ર નહીં, પાચનમાં મદદરૂપ છે.

આધુનિક સંશોધનોના તારણો જણાવે છે કે વરિયાળી એન્ટીસ્પાઝમોડીક, એન્ટીબેક્ટેરિયલ, એન્થેલ્મીક, એન્ટી ઓક્સિડન્ટ ડાયયુરેટીક્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એક્સપેકટોરન્ટ ગુણો ધરાવે છે. જેને કારણે ગેસ્ટ્રાઈટીસ – જઠરનાં સોજા જેવા રોગમાં ખૂબ જ ઉપયોગી થાય છે. આ ઉપરાંત અપચો, ડીસેન્ટ્રી – આમ સાથેના ઝાડા, ઉલટી-ઉબકા, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર જેવા પિત્ત સબંધિત રોગોમાં બાઈલ જ્યૂસનું નિયમન કરી અને ફાયદો કરે છે.

અંગ્રેજીમાં ફેનલ સીડઝ તરીકે સંબોધાતી વરિયાળીમાં anethole, estragole અને fenchone રહેલાં છે. સંશોધકોનું માનવું છે કે Anethole વરિયાળીનાં ઔષધિય ગુણો માટે જવાબદાર હોઈ શકે છે.ફેનલ સીડસમાં નાઈટ્રેટસ પણ રહેલા છે. Nitrites કાર્ડિયોવાસ્કયુલર હેલ્થ માટે ઉપયોગી છે. જેની angiogenesis અને Vasorelaxation ક્રિયાથી રક્તાભિસરણનું નિયમન કરી હૃદયનાં કાર્યને સુધારે છે. આમ બ્લડ સર્ક્યુલેશન સુધારવાનું તથા ડાયયુરેટિક્સ જેવું કામ કરતી હોવાથી વરિયાળીનો નિયમિત ઉપયોગ હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર, કિડનીના રોગમાં પણ રાહત આપે છે. વરિયાળી ખાવાથી આ બધા રોગ મટી જાય તેવું માનવું ભૂલ ભરેલું છે. કેમકે કોઇપણ ‘દ્રવ્યને’ ‘ઔષધ’ તરીકે ઉપયોગી બનાવવું હોય ત્યારે રોગી, રોગનું બળ તથા દોષ, દૂષ્ય વગેરે વિશ્લેષ્ણાત્મક પદ્ધતિથી યુક્તિપૂર્વક વૈદ તેનો ઉપયોગ સૂચવી શકે. પરંતુ ખોરાકમાં વપરાતાં પદાર્થો હૃદય માટે, લીવર માટે, પાચન માટે ગુણકારી જાણી તેનો યથાયોગ્ય ઉપયોગ રોજબરોજના ખાનપાનમાં કરી શકાય.

વરિયાળીની વિશિષ્ટતા

વરિયાળીને ચાવવાથી તેનાં વિશિષ્ટ ગુણોને કારણે મ્હોંમાં લાલાસ્ત્રાવ વધે છે. જમ્યા પછી પણ લાલાસ્ત્રાવને કારણે હોજરીમાં પચી રહેલાં ખોરાકના પાચનમાં મદદ મળે છે. આધુનિક સમયમાં પાચકરસોનો આભાવ, ખોરાક ખાવાના સમયમાં અનિયમિતતા, મસાલેદાર-બઝારૂ ખોરાકનો વારંવાર ઉપયોગ, ભોજન સમયે અન્ય માનસિક પ્રવૃત્તિઓ જેવીકે મોબાઈલ-ટી.વી જોવું વગેરે કારણોથી અપચો, કબજીયાત જેવી અગ્નિની મંદતા-પાચનશક્તિની નબળાઈની સમસ્યાથી પણ અપચો થતો હોય છે. તેવા કિસ્સાઓમાં પિત્તને સંતુલિત કરી પાચનક્રિયા ઉત્તેજીત કરવામાં વરિયાળી ઉપયોગી ઔષધ બની શકે છે.

પાચનતંત્રનાં અવયવોની આંતર ત્વચામાં થતાં સોજાને કારણે થતા ગેસ્ટ્રાઈટીસ, કોલાઈટીસ જેવા રોગમાં તથા પેન્ક્રીયાટીસ, ગોલબ્લેડરમાં થતી અનિયમિતતા દૂર કરવામાં પણ પિત્તનું સંતુલન કરવા માટે વરિયાળી ઉપયોગી ઔષધ છે.

વરિયાળીનાં ઔષધીય ઉપયોગ

વરિયાળીનો હિમ :વરિયાળીનો ઝીણો પાવડર કરી ૨ મોટી ચમચી પાવડર ૪ થી ૬ કલાક ૧ ગ્લાસ પાણીમાં પલાળીને રાખવો ત્યારબાદ તેમાં સાકર ઉમેરી નરણા કોઠે અથવા બપોરે જમ્યા પછી ૩ કલાક બાદ પી જવાથી પાચન સંસ્થાનમાં થતાં પિત્તનાં રોગ એસિડીટી, કોલાઈટીસ, ઝાડા વગેરેમાં ફાયદો થાય છે.

કોલાઈટીસ માટે :વારંવાર પાતળા, પીળા તથા બળતરા સાથે થતાં ઝાડા માટે વરિયાળી અને સૂંઠ સરખા ભાગે લઇ ઘીમાં શેકી ઠંડુ થયે પાવડર કરી લેવો. આ પાવડર છાશ અથવા પાણી સાથે એક-એક ચમચી જમ્યા પછી લેવો.

માસિક સ્ત્રાવ દરમ્યાન દુખાવો: આયુર્વેદ વરિયાળીને ‘પ્રજાસ્થાપક’ કહે છે. ગર્ભાશયની આંતરત્વચામાં સોજો આવવાથી થતાં એન્ડોમેટ્રોસિસ જેવા રોગમાં વધુ પ્રમાણમાં માસિકસ્ત્રાવ થાય, પેઢુમાં ખૂબ દુઃખાવો થાય, માસિકસ્ત્રાવ ગંઠાઈ જતો હોય તેવી તકલીફમાં વરિયાળીનો પાવડર પાણીમાં પલાળી પી જવાથી માસિક દરમ્યાન ક્લોટસ પડવા, દુખાવો થવો જેવી તકલીફમાં રાહત થાય છે.

ગર્ભાશયની ત્વચાની જાડાઈ વધુ બનતી હોય, માસિક યોગ્ય પ્રમાણમાં ખુલાસીને ન આવતું હોય તેવા સમયે વરિયાળીનાં બદલે વરિયાળીનાં છોડના પાન વધુ ઉપયોગી થાય છે. તાજી-લીલી વરિયાળીનાં છોડના પાનને ભાજીની જેમ વઘારી શાકની માફક માસિકના ૭-૧૦ દિવસ પહેલાથી સમયાંતરાલે ખાવાથી માસિક યોગ્ય રીતે આવી, ગર્ભાશયની શુદ્ધિ થાય છે. થોડા માસિક ચક્રો દરમ્યાન આ પ્રયોગ ચાલુ રાખવાથી ગર્ભાશયની આંર્તત્વચા યોગ્ય બને છે. ગર્ભનું સ્થાપન અને ગર્ભનો વિકાસ યોગ્ય રીતે થઇ શકે છે. આથી જ વારંવાર મિસકેરેજ થતું હોય તેવા કેસમાં આ નિર્દોષ પ્રયોગ અપનાવી શકાય. વૈદકીય માર્ગદર્શનમાં ગર્ભાશયનું બળ વધારી ગર્ભસ્થાપનમાં મદદ કરે તેવા ઔષધોની મદદથી વ્યંધ્યત્વ દૂર કરવામાં વરિયાળીનાં પાન પણ અદભૂત પરિણામ આપે છે.

કબજીયાતમા રાહત આપે છે : વરિયાળીનો પાવડર ૧૦૦ ગ્રામ, સાકરનો પાવડર ૧૦૦ ગ્રામ, મીંઢીયાવળનો પાવડર ૨૫ ગ્રામ જેટલા પ્રમાણમાં ભેળવી સાદુ રેચકચૂર્ણ ઘરે જ બનાવી શકાય. જે રાત્રે સૂતા સમયે ૧ થી ૩ ચમચી પાણી સાથે લેવાથી કબજીયાત દૂર કરે છે.આંતરડા નબળા હોય તેવી વૃદ્ધ વ્યક્તિઓ, ગર્ભવતી સ્ત્રીઓ વરિયાળી અને કાળી દ્રાક્ષને ૪-૫ કલાક પલાળી તેને ક્રશ કરી પી જઈ શકે છે. તેમાં રહેલા રેસા અને સારક ગુણ મૃદુ વિરેચનનું કામ કરે છે.

દૂધમાં વરિયાળી, સાકર, ગુલકંદ ઉમેરી ક્રશ કરી ઠંડુ કરી બપોરના સમયે પીવાથી જમ્યા પછી ખાટા ઓડકાર, છાતીમાં બળતરા, બ્લીડીંગ પાઈલ્સ, નસકોરી ફૂટવી જેવા પિત્ત સબંધિત રોગમાં રાહત મળે છે. કેન્સરની ટ્રીટમેન્ટ માટે કેમોથેરાપી ચાલતી હોય ત્યારે પણ આ પીણું પીવાથી ઉબકા, બળતરા, અશક્તિમાં રાહત અનુભવાય છે.


Share post